(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
સુપ્રીમ કોર્ટે એક બળાત્કારના આરોપ મામલે સુનાવણી કરીને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે લાંબા સમય સુધી ચાલી રહેલ લિવ-ઈન રિલેશનશિપમાં સંમતિના આધારે બનાવેલ સંબંધને એટલા માટે રેપ ન ગણી શકાય કારણકે બાદમાં પુરુષ સાથી પોતાના લગ્નના વચનમાંથી ફરી ગયો છે.
ચીફ જસ્ટીસ એસ એ બોબડેની અધ્યક્ષતા અને જસ્ટીસ એ એસ બોપન્ના અને જસ્ટીસ વી રામાસુ્બ્રમણ્યનની પીઠે પોતાના ચુકાદામાં કહ્યુ કે, ’લગ્નનુ ખોટુ વચન આપવુ અયોગ્ય છે. ત્યાં સુધી કે મહિલાએ પણ લગ્નનુ વચન આપીને તેને તોડવુ ન જોઈએ. પરંતુ એનો અર્થ એ નહિ કે લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવુ, શારીરિક સંબંધ બનાવવાને બળાત્કાર કહેવામાં આવે.’ સુપ્રીમ કોર્ટે કૉલ સેન્ટરમાં કામ કરતા બે કર્મચારીઓના મામલે સુનાવણી કરી હતી. ૫ વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ યુવકે બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ લિવ ઈનમાં રહેનાર યુવતીએ પુરુષ સાથે પર એમ કહીને બળાત્કારનો આરોપ લગાવી દીધો કે તેણે લગ્નનુ ખોટુ વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
આરોપી યુવક તરફથી હાજર થયેલ વરિષ્ઠ વકીલ વિભા દત્તા મખીજાએ કોર્ટમાં કહ્યુ કે જો લિવ ઈનમાં રહેવા પર રેપનો આરોપ લગાવવામાં આવે અને આના પર યુવકની ધરપકડ થાય તો આ બહુ ખતરનાક ઉદાહરણ બનશે.
મહિલા તરફથી હાજર થયેલ વકીલે કોર્ટને જણાવ્યુ કે યુવકે દુનિયા સામે બતાવ્યુ કેતે પતિ-પત્નીની જેમ રહે છે અને મહિલા લાથે એક મંદિરમાં લગ્ન પણ કર્યા હતા પરંતુ પીડિતા પાસેથી પૈસા કઢાવ્યા અને તેની સાથે સંબંધ બનાવ્યા બાદ તેણે પોતાનુ વચન તોડી દીધુ. વળી, વકીલ વિભા દત્તાએ જ્યારે કહ્યુ કે મહિલા આ રીતના આરોપ લગાવવાની આદતવાળી છે અને તે પહેલા પણ બે યુવકો પર આ રીતના આરોપ લગાવી ચૂકી છે તો પીઠે કહ્યુ કે બળાત્કાર પીડિતા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવાની અનુમતિ કાયદામાં નથી. મખીજાએ કહ્યુ કે તે મુદ્દાની ગંભીરતાને સમજી રહી છે પરંતુ લગાવેલ આરોપ ખોટા છે.