ધારાસભ્ય સપ્તાહમાં માત્ર ૩ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે

1174
guj4418-3.jpg

ગુજરાત વિધાનસભામાં હવેથી કોઈપણ ધારાસભ્ય અઠવાડિયામાં ૩ જ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કરેલા નિર્ણયને પગલે કોંગ્રેસના ધારાસભ્યોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા જારી કરાયેલા નિર્ણય મુજબ, સત્રનું સમન્સ ઇસ્યુ થયાની તારીખથી સત્ર સમાપ્તિ થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન  ધારાસભ્યો અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે નહીં. જો કે અત્યાર સુધી કોઈપણ ધારાસભ્ય ગમે એટલા અતારાંકિત પ્રશ્નો પૂછી શકતા હતા અને દૈનિક ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછી શકાતા હતાં. વિધાનસભા અધ્યક્ષના નવા નિર્ણયને લઇ વધુ એક વિવાદ જાગ્યો છે. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પરત્વે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે અને ભાજપના ઇશારે વિધાનસભા અધ્યક્ષને આવો મનસ્વી નિર્ણય લીધો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. બીજીબાજુ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના નિર્ણયના બચાવમાં જણાવ્યું હતું કે, રાજય સરકારના વિવિધ વિભાગોનું ભારણ ઘટાડવા અને બિનજરૂરી પ્રશ્નોને લઇ ગૃહની કાર્યવાહી વ્યર્થ થતી અટકાવવાના ઉમદા આશયથી આ નિર્ણય લેવાયો છે. બિનજરૂરી તેમ જ અર્થ વગરના પ્રશ્નોને અટકાવવા અને વિવિધ ખાતાઓ પરનું ભારણ વધે નહી તે માટે આ નિર્ણય લેવાયો હોવાનો બચાવ અધ્યક્ષે રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત બજેટ સત્રમાં ૧૦ હજાર કરતા વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા. દરમ્યાન વિધાનસભા અધ્યક્ષના ધારાસભ્યોને પ્રશ્નો પૂછવા પર મર્યાદા બાંધતા નિર્ણયના વિરોધમાં કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. 
ધારાસભ્યને માત્ર ત્રણ સવાલ પૂછવાની  મંજૂરી આપતાં અધ્યક્ષના વિવાદીત નિર્ણય અંગેની પ્રતિક્રિયામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર જણાવ્યું કે, ધારાસભ્યએ કેટલા સવાલ પૂછવા તે તેમનો નૈતિક અધિકાર છે. અધ્યક્ષે પોતાના રૂલિંગ પર ફેર વિચારણા કરવી જોઇએ. બીજેપીનો ષડયંત્રના ભાગરૂપે ધારાસભ્યોને પ્રશ્ન પુછવાથી વંચિત રાખવાનો પ્રયાસ છે. આ રૂલિંગ ભાજપના દબાણમાં આપવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાના અધ્યક્ષના ઉપરોકત નિર્ણયને લઇ ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે.

Previous article શહેરમાં કચરો સળગાવનારા સામે મનપા કડક પગલાં લેશે
Next article પેપરો લીક ન થાય એવી ફુલપ્રૂફ સિસ્ટમ ગુજરાત વિકસાવશે : ચૂડાસમા