મ્યાંનમારમાં સેનાના ગોળીબારમાં ૫૧ પ્રદર્શનકારીઓનાં મોત થયા

299

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૫
મ્યાંમારમાં સત્તાપલટા બાદ સ્થિતિ ખૂબ બેકાબૂ બની રહી છે. પ્રદર્શનકારીઓએ રવિવારે યંગૂન વિસ્તારમાં આવેલી એક ચાઈનીઝ ફેક્ટરીને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ મ્યાંમારની સેનાએ ખુલ્લેઆમ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારમાં ૫૧ પ્રદર્શનકારીઓના મોત થયા હતા અને છેલ્લા ૬ સપ્તાહથી ચાલી રહેલા પ્રદર્શનની તે સૌથી ખતરનાક એક્શન બની રહી હતી. યંગૂન ખાતે ગોળીબારની ઘટનામાં ૫૧ લોકોના મોત થયા હતા. તે સિવાય રવિવારે જ વિવિધ શહેરોમાં ૧૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મ્યાંમારના એક સંગઠનના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોનો આંકડો ૧૨૫ને પાર થઈ ચુક્યો છે. મ્યાંમારમાં પ્રદર્શનકારીઓના મોતનો આંકડો હજુ પણ ઉંચો જાય તેવી આશંકા છે કારણ કે, હજુ પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં લાશો પડેલી છે જેની કોઈએ ભાળ જ નથી લીધી. પહેલી ફેબ્રુઆરીના રોજ મ્યાંમારમાં સેનાએ સત્તાપલટો કરી દીધો હતો અને ત્યાંની ચૂંટાયેલી સરકારને સત્તાથી બેદખલ કરી દીધી હતી. ઉપરાંત આંગ સાન સૂ કી સહિત અનેક મોટા નેતાઓને જેલમાં પૂરી દીધા હતા અને તેમનો અવાજ દબાવી દીધો હતો.
ત્યાર બાદ મ્યાંમારના રસ્તાઓ પર પ્રદર્શનો જામવા લાગ્યા છે અને લોકો આંગ સાન સૂ કીને મુક્ત કરવા માંગણી કરી રહ્યા છે.
આક્રમક બનેલી સેનાએ અત્યાર સુધીમાં ૨,૧૫૬ લોકોની ધરપકડ કરી છે અને સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ મુકનારા સામે પણ એક્શન લેવાઈ રહી છે.

Previous articleદેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા
Next articleદેશભરમાં ડ્રોન ઉડાડવા લાઈસન્સ અને તાલીમ ફરજીયાત, લાઈસન્સ વગર ઉપયોગ બનશે ગુનો