કોરોનાના તમામ લક્ષણ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે

260

(સં.સ. સે.) મુંબઈ, તા. ૭
કોરોનાની બીજી લહેર જેમજેમ મજબૂત બની રહી છે તેમ-તેમ વાયરસમાં દેખાઈ રહેલા ફેરફાર ડૉક્ટરોને પણ મૂંઝવણમાં મૂકી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મુંબઈમાં તો હાલ એવા દર્દીઓ પણ સામે આવી રહ્યા છે કે જેમને કોરોનાના તમામ લક્ષણો હોવા છતાંય તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે.
ડૉક્ટરનું માનવું છે કે, સ્વેબ સેમ્પલ યોગ્ય રીતે ના લેવાતા, લક્ષણો દેખાવાનું શરુ થયા બાદ ટેસ્ટિંગ માટે મોડું કરતા તેમજ શક્ય છે કે વાયરસની બદલાયેલી પેટર્નને કારણે આમ થઈ રહ્યું છે. જેજે હોસ્પિટલના ડૉ. પ્રતિત સમધાની આ અંગે જણાવે છે કે, તેમના ધ્યાનમાં પણ આવા કેસ આવ્યા છે. જેમાં કળતર, તાવ તેમજ ઉધરસ જેવા કોરોનાના તમામ લક્ષણ છતાંય દર્દીના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે.
બીએમસીની એક હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ઈન્ફેક્શન લાગ્યાના ત્રીજાથી સાતમા દિવસના વચ્ચેના ગાળામાં ટેસ્ટ થઈ જવો જરુરી છે. જો તેમાં મોડું થાય તો કોરોના થયો હોવા છતાંય રિપોર્ટ નેગેટિવ આવવાના ચાન્સ વધી જાય છે. ઘણા કેસમાં દર્દીને પોતાને જ ખબર નથી હોતી કે તેને ક્યારથી લક્ષણો દેખાવાના શરુ થયા હતા.
કેટલીકવાર એકાદ દિવસ તાવ આવ્યા બાદ અઠવાડિયા સુધી જોરદાર શરદી-ઉધરસ પણ રહેતા હોય છે.
જસલોક હોસ્પિટલના ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ ડૉ. ઓમ શ્રીવાસ્તવ આ અંગેનું કારણ આપતા જણાવે છે કે હાલ કોરોનાને ડિટેક્ટ કરવા માટે આરટી-પીસીઆર સૌથી યોગ્ય ટેસ્ટ મનાય છે. જોકે, તેની સેન્સિટિવિટી ૬૫-૭૦ ટકા જેટલી જ છે. ટેસ્ટમાં વાયરસ પકડાશે તેની ૧૦૦ ટકા ગેરંટી નથી હોતી. પરંતુ રિપોર્ટ નેગેટિવ આવે તેનો મતલબ એવો નથી થઈ જતો કે તે વ્યક્તિને કોરોના નથી જ થયો. ડૉક્ટર્સ તેના માટે બીજા પણ ક્લિનિકલ જજમેન્ટનો આશરો લેતા હોય છે.
આવી સ્થિતિમાં માત્ર ટેસ્ટના રિપોર્ટ પર આધારિત રહેવાના બદલે ડૉક્ટર દર્દીની છાતીનું સિટી સ્કેન કરાવતા હોય છે, જેનાથી ચેપ લાગ્યો છે કે કેમ અને લાગ્યો છે તો કેટલા પ્રમાણમાં ફેલાઈ ચૂક્યો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. ડૉ. સમધાનીના જણાવ્યા અનુસાર, સિટી સ્કેનમાં ફેફસાની તસવીર જોતા જ દર્દીને કોરોના થયો છે કે નહીં તેની પક્કી ખબર પડી જાય છે. જો ટેસ્ટ કરાવવામાં મોડું થતાં તેમાં કોરોના ના પકડાતો હોય તો ૭થી ૧૧મા દિવસે સિટી સ્કેન કરાવી લેવો હિતાવહ રહે છે. મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલના ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. અનિતા મેથ્યૂ આ અંગે જાવે છે કે, સેમ્પલ લેવાની ટેકનિક ખોટી હોવાથી ઘણા દર્દીઓમાં કોરોનાના લક્ષણ હોવા છતાં આરટી-પીસીઆર કે એન્જિટેન ટેસ્ટમાં તે પકડાતો નથી. જો તેમાં ભૂલ થાય અને યોગ્ય માત્રામાં સેમ્પલ કલેક્ટ ના થઈ શકે તો રિઝલ્ટ ભૂલભરેલું આવવાની પૂરી શક્યતા રહે છે. કોરોનાના અલગ-અલગ વેરિયન્ટ્‌સ પણ સામે આવી રહ્યા છે, ત્યારે તેના પર સ્પષ્ટતા કરતાં ડૉક્ટર્સ એમ પણ જણાવે છે કે તેનાથી સેમ્પલ લેવાની પદ્ધતિ અને ટેસ્ટ મેથડમાં ફરક નથી પડતો. કારણકે, વાયરસના ડીએનએ હજુય બદલાયા નથી. બીજી તરફ, બીએમસીના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. મંગલા ગોમારેનું કહેવું છે કે, ટેસ્ટમાં ભૂલ થઈ રહી છે, પરંતુ તેનું પ્રમાણ નહીંવત છે. જો દર્દી એસિમ્પ્ટોમેટિક હોય તો તેના માટે એન્ટિજેન ટેસ્ટ યોગ્ય રહે છે. જો તેનું રિઝલ્ટ પોઝિટિવ આવે તો તેને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરુર નથી રહેતી.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ કોરોનાના કેસ
Next articleવેપારીઓ લોકડાઉનના વિરોધમાં રસ્તા પર ઊતર્યા