(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨૦
દેશમાં કોરોના બેકાબૂ બની ગયો છે તથા મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પણ તેની લપેટમાં આવી ગયા છે. ચૂંટણી પંચના બે ટોચના અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ મચી ગયો છે. સુનીલ અરોડાની વિદાય બાદ સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૯,૧૭૦ નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧,૫૩,૨૧,૦૮૯ થઈ ગઈ છે. ૧૭૬૧ તાજેતરના મોતની સાથે કુલ મૃતકઆંક ૧,૮૦,૫૩૦ થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા ૨૦,૩૧,૯૭૭ છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા ૧,૩૧,૦૮,૫૮૨ છે. હવેથી ૧૮ વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા તમામ લોકો માટે કોરોના વેક્સિનેશનનો રસ્તો સાફ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ અને એક્સપર્ટ્સ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
પહેલી મેથી વેક્સિનેશનનો ચોથો તબક્કો શરૂ થશે જેમાં ૧૮ વર્ષ કરતા વધારે ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકશે.