સમગ્ર રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ માસથી વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોને સાંકળને તોડવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવધ વેપારી સંગઠનોને સાથે રાખી બેઠક કરી શનિ-રવીવાર બે દિવસ ભાવનગરમાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ગત શનિ-રવિ તા. ૧૭-૧૮ના રોજ લોકડાઉનને નબળો પ્રતિસાદ મળ્યો હતો ત્યાર બાદ ચેમ્બર દ્વારા તા. ૨૪-૨૫ શનિ-રવીના સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ કરવામાં આવી હતી. પરંતુ આજે તેને પણ નબળો પ્રતિસાદ મળ્યો છે અને શહેરની સાંઇઠ ટકા ઉપરાંત દુકાનો ખુલ્લી રહી છે. એકમાત્ર ચોક્સી મંડળ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું છે અને સોની વેપારીએ આજે દુકાનો બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા. બાકી તમામ એસોસીએશનના મોટા ભાગના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ રાખ્યા હતા. ભાવનગર શહેર કરતા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ લોકોમાં જાગૃતિ આવી હોય તેમ સ્વૈચ્છીક લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો છે અને વેપારીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખી લોકડાઉન પાળ્યું હતું. ભાવનગર શહેરમાં દૈનિક પોઝીટીવના ત્રણસો કેસ થવા લાગ્યા છે અને ચેમ્બર દ્વારા કોરોનાની ચેઇન તોડવા અપીલો કરાઇ રહી છે પરંતુ વેપારીઓ ચેમ્બરની અપીલને પણ અવગણી બે પૈસા કમાઇ લેવાની લ્હાઇમાં સ્વૈચ્છીક લોકડાઉનમાં નહીં જોડાઇ ધંધા રોજગાર શરૂ રાખ્યા હતા.