ગુજરાતમાં પાંચ દિવસમાં રિકવરી રેટ ૫૩% વધ્યો

814

(સં.સ. સે.) અમદાવાદ,તા.૨૯
ગુજરાતમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે રાજ્યમાં ફેલાયેલા કોરોનાના આ અંધારયુગમાં આશાનું એક કિરણ જોવા મળ્યું છે. છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજ્યનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે. તો બીજી તરફ વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી તેમાં હાઈકોર્ટની ઝાટકણી પછી કોર્પોરેશને બુધવારે જાહેર કર્યું હતું કે કોઈપણ વાહનમાં પહોંચેલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે પરંતુ તે માટે દર્દી તરફથી કોઈએ હોસ્પિટલના ગેટ પર મળતા ફોર્મ ભરી તેની સાથે આરટીપીસીઆર રિપોર્ટની નકલ જોડવાની રહેશે જે બાદ હોસ્પિટલમાં જે પ્રેમાણે બેડ ખાલી થતા જશે તે મુજબ તંત્ર તરફથી દર્દીનો સંપર્ક સાધીને તેમને દાખલ કરવામાં આવશે. કોરોનાની સારવાર માટે ડીઆરડીઓના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ૯૦૦ બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હવે ત્યાં દાખલ થવા ઈચ્છતા કોરોના દર્દીઓએ કેટલીક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને અહીં એડમિટ કરાશે.
સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્‌સ આપીને ટોકન લેવાનું રહેશે. તેના માટે ફોર્મ સવારે ૮ થી ૯માં હોસ્પિટલની બહારથી લેવાના રહેશે. ટોકન લીધા પછી હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાં લઈને આવાનું રહેશે. દર્દીને એડમિટ કરાવવા આવતી વખતે ટોકન ફરજિયાત લઈને આવવાનું રહેશે. જણાવાયા મુજબ, ગંભીર દર્દીઓને કે જેનું કોરોનાના અસરને કારણે ઓક્સિજન લેવલ ૯૨%થી ઓછું થઇ ગયું છે, તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.

Previous articleત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થઇ શકે
Next articleઉત્તરાખંડની સરકારે આગામી ચારધામ યાત્રાને રદ કરી દીધી