(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૨૬
કોરોના વાવાઝોડું ઓડિશાના દરિયાકિનારે ટકરાવાનું છે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જોકે, વાવાઝોડું ઓડિશા પહોંચે તે પહેલા જ તેનું તોફાની સ્વરુપ જોવા મળી રહ્યું છે. યાસ વાવાઝોડની અસર ભદ્રક જિલ્લામાં ભારે જોવા મળી રહી છે. અહીં તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. આજ રીતે પારાદીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઓડિશાના ભદ્રકમાં લોખંડનું પતરું તોફાની પવન વચ્ચે જાણે કાગળ કે પૂઠું હોય એ રીતે હવામાં ઉછળી ગયું હતું. વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળના દરિયાકિનારે પણ કરંટ જોવા મળી રહ્યો છે. બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં વાવાઝોડું નજીક આવવાની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું ઓડિશાના બાલાસોરમાં બપોરના લેન્ડફોલ થશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું શક્તિશાળી હોવાના કારણે લોકોને નુકસાન થાય કે તારાજી સર્જાય તે પહેલા જ જરુરી પગલા ભરવામાં આવ્યા છે. અહીં અઠવાડિયાની શરુઆતથી મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
વાવાઝોડાથી અસરગ્રસ્ત બને તેવા વિસ્તારમાંથી ૨૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૧૧ લાખ લોકોને સ્થળાંતરિત કર્યા હોવાનું જણાવ્યું છે. જ્યારે ઓડિશા સરકારે ૧૦ લાખ લોકોને સ્થળાંતરિત કર્યા હોવાનું જણાવ્યું છે. પાછલા વર્ષે આવેલા અમ્ફાન વાવાઝોડું પણ લોકોને યાદ છે. જેને ધ્યાનમાં રાખીને તમામ આગોતરી કામગીરી કરવામાં આવી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં એરપોર્ટ, રેલવે, એરપોર્ટ વગેરેની કામગીરી અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની અસર બુધવારે સવારે ૫ઃ૩૦થી અનુભવાશે અને તેના લીધે ઓડિશાના ભદ્રકમાં ભારે પવન સાથે વરસાદ થશે. સાડા ૧૧ વાગ્યે વાવાઝોડું ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. યાસ વાવાઝોડું ધર્મા અને બાલાસોરની વચ્ચે ટકરાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાના લીધે ઉત્તર ઓડિશામાં ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે. આ સાથે દરિયા કિનારામાં ૨-૪ મીટર ઊંચા મોજા ઉછળશે. બાલાસોર અને ભદ્રકમાં ૧૫૫-૧૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.