(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
દિલ્હીમાં ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ પર પ્રતિબંધ નહીં લાગે. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને રોકવાની ના કહી દીધી છે. આ ઉપરાંત કોર્ટે અરજી કરનાર વ્યક્તિ પર ૧ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કૉર્ટે અરજી કરનારાના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું કે, આ પ્રોજેક્ટને જબરદસ્તીથી રોકવા માટે અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અરજદારે એમ કહીને અરજી દાખલ કરી હતી કે અત્યારે દિલ્હીમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે, તો આ પ્રોજેક્ટનું કામ કેમ ના રોકવામાં આવ્યું? અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે ૫૦૦થી ઉપર મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે આના કારણે ત્યાં કોરોના સંક્રમણ ફેલાય તેવો ખતરો છે, પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે પહેલાથી જ દિલ્હી સરકાર કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પર લાગેલા પ્રતિબંધને હટાવી ચુકી છે. કૉર્ટે કહ્યું કે, લોકોનો રસ આ પ્રોજેક્ટમાં છે અને આના પર નવેમ્બરમાં કામ પૂર્ણ થવાનો કોન્ટ્રાક્ટ છે. કૉર્ટે કહ્યું કે, આ મહત્વપૂર્ણ પબ્લિક પ્રોજેક્ટ છે અને આને અલગ કરીને ના જોવામાં આવી શકે. આ એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે. અદાલતે કહ્યું કે, આ પ્રોજેક્ટની કાયદેસરતા સાબિત થઈ ચુકી છે અને સરકારે નવેમ્બર ૨૦૨૧ સુધી આ કામને પૂર્ણ કરવાનું છે. કોરોના સંક્રમણના પ્રશ્ન પર અદાલતે કહ્યું કે, અત્યારે તમામ કામદારો નિર્માણ સ્થળ પર છે અને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. આથી કોર્ટની પાસે કોઈ કારણ નથી કે તે આર્ટિકલ ૨૨૬ અંતર્ગત મળેલી શક્તિઓનો ઉપયોગ કરતા આ પ્રોજેક્ટ રોકી દે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા નિર્માણ કાર્યને રોકવા માટે આન્યા મલ્હોત્રા અને સોહેલ હાશમીએ અરજી દાખલ કરી હતી.
અરજદારોએ અરજીમાં પૂછ્યું હતુ કે, ‘પ્રોજેક્ટ કેમ અને કઈ રીતે જરૂરી સેવા છે. મહામારીના આ સમયમાં આ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં જનતા માટે કોઈ સર્વિસ નથી અને ના આ જરૂરી કાર્ય છે.’
Home National International નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, હાઇકોર્ટે અરજીકર્તાને ફટકાર્યો રૂ. ૧ લાખનો દંડ