(જી.એન.એસ)કોચ્ચિ,તા.૩
દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, ૩ જૂનને કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. કેરળ પહોંચ્યા બાદ હવે મોનસુન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે.
હવામાન વિભાગે અગાઉ ૩૧ મેના રોજ મોનસુન કેરળ પહોંચવાની આગાહી કરી હતી, પરંતુ કહ્યું હતું કે ૪ દિવસ આગળ પાછળ થઇ શકે છે. ચોમાસાને લઇને હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગયા વર્ષની વાત કરીએ તો, ૧ જૂને મોનસુન કેરળ પહોંચ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૮ જૂને ચોમાસાનું આગમન થયું હતું.
હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ૯૬-૧૦૪ ટકા વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ૪૦ ટકા સંભાવના ૯૬-૧૦૪ ટકા વરસાદની છે. આ સ્થિતિને સામાન્ય વરસાદ કહેવાય છે. ૧૬ સંભાવના ૧૦૪-૧૧૦ ટકા વરસાદની છે, જે સામાન્યથી વધુ વરસાદ મનાય છે. ઉપરાંત ૫ ટકા સંભાવના ૧૧૦ ટકાથી વધુ વરસાદની છે, જે સામાન્યથી વધુ વધારે વરસાદ મનાય છે. એટલે કે કુલ મળીને આ ચોમાસાની સિઝન દરમિયાન ૬૧ ટકા સંભાવના સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની છે.
આ પહેલાં ચોમાસાએ આંદામાનમાં ૨૧ મેના રોજ એન્ટ્રી લીધી હતી. ૨૭ મેના રોજ અડધા શ્રીલંકા અને માલદિવ્સને પાર કર્યા પછી મજબૂત હવાની અછતને કારણે ૭ દિવસ સુધી ચોમસાની ઉત્તરી સીમા કોમોરિન સમુદ્રમાં જ રોકાઈ ગઈ હતી, જોકે હવે પરિસ્થિતિ અનુકૂળ છે.
જોકે આ વખતે ચોમાસું ૨ દિવસ મોડું છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા ૪ દિવસથી પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. એમપીમાં દર વર્ષે ૧૭ જૂન તો ભોપાલમાં ૨૦ જૂનની આસપાસ વરસાદ પહોંચે છે. આ વખતે પણ એ સમયે પહોંચે એવી શકયતા છે. મોસમ વિશેષજ્ઞ એ. કે. શુકલા કહે છે કે જો ચોમાસાનો પ્રોગ્રેસ યથાવત્ રહ્યો તો એ નક્કી સમયે પહોંચી જશે.
હિમાચલના શિમલામાં બુધવાર બપોર પછી આંધી અને ઝડપી પવનની સાથે વરસાદ થયો હતો. મોસમ વિભાગના યલો અલર્ટની વચ્ચે શિમલાની નજીકના ઉપરના વિસ્તારમાં વરસાદની સાથે બરફના કરા પડવાથી સફરજન સહિતનાં ફળોને નુકસાન પહોંચ્યું છે.
મોસમ વિભાગના જણાવ્યા મુજબ, શિમલા સહિત રાજ્યના મધ્યમ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં પાંચ જૂન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં ચાર જૂન સુધી હવામાન ખરાબ રહેશે. જ્યારે મેદાની વિસ્તારોમાં આઠ જૂન સુધી હવામાન સાફ રહેવાનું અનુમાન છે.