(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૦
ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અને ચોમાસું હવે સુરત પહોંચ્યું છે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સત્તામાર નેઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અને હાલ ચોમાસું સુરત પહોંચ્યું છે. તેવામાં સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસતાં લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી હતી.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ગ્રામ્ય વિસ્તારમાં ૨થી ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાયડી, ડેડાણ, અનિડા, ભાવરડી, મોટા સરકડીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. ચોમાસાની શરૂઆતમાં જ વાવણીલાયક વરસાદ વરસતાં જગતનો તાત ખૂશખૂશાલ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ખારી નદીમાં પુર આવ્યું છે. કાનાતળાવ, હાથસણી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજુલા,જાફરાબાદ,ખાંભા,બગસરામાં વરસાદ પડતા બફારાથી લોકોને રાહત મળી હતી. કોટડા,ભાડ,નાનુડી,ઈંગોરાળામાં વરસાદ વરસ્યો હતો.
તો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કોડીનારમાં પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવતાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરિયો તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે દ્વારકામાં આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ભારે કરંટને કારણે ગોમતીઘાટ કિનારે ૮ થી ૧૦ ફૂટ જેટલા ઊંચા મોટા મોજા ઉછળ્યા હતા. દ્વારકા જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદી માહોલ વચ્ચે અસહ્ય ગરમી વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. દરિયામાં પવનની ગતિ તેજ થઈ શકે છે અને દરિયો તોફાની બની શકે છે તેવી સંભાવનાને કારણે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધારમણી થઇ ચૂકી છે. વહેલી સવારે વલસાડના કપરાડામાં મેઘરાજાએ સત્તાવાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાના આગમન સાથે જ વલસાડમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. વલસાડના મોટાભાગના તાલુકાઓમાં ઓછો વત્તો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વલસાડનું ચેરાપૂંજી ગણાતા કપરાડામાં ચાર કલાકમાં ૨.૪૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં ૧૪ મી.મી., ઉમરગામમાં ૧૬ મી.મી., ધરમપુર ૧૫ મી.મી. વરસાદ નોંધાયો હતો