શહેરના કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડમાં ખુબ જ મોટી વસતી છે છતા આ વિસ્તારમાં એક પણ પોસ્ટ ઓફીસ નથી તેથી લોકોને મૂશ્કેલી પડી રહી છે. પોસ્ટ ઓફીસને લગતા કામ માટે લોકોને દુર સુધી ધક્કા થઈ રહ્યા છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેથી તત્કાલ પોસ્ટ ઓફીસ શરૂ કરવા લોકોની માંગ ઉઠી છે. આ બાબતે નગરસેવકે પણ રજુઆત કરી છે.
ભાવનગર મહાપાલિકાની હદ્દમાં અધેવાડા ગામનો સમાવેશ કરવામાં આવતા કાળીયાબીડ-સીદસર-અધેવાડા આ પ્રમાણે વોર્ડની રચના થઈ છે અને આ ત્રણેય વસાહત થઈ આશરે ૭૦,૦૦૦ જેટલી વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં પોસ્ટ ઓફીસની એક પણ બ્રાન્ચ ઓફીસ ન હોવાથી અહીંનાં રહીશોને પોસ્ટને લગતા કામ માટે ખૂબ જ લાંબુ અંતર કાપીને પોસ્ટ ઓફીસે જવું પડે છે, જેથી આ ત્રણેય વિસ્તારના રહીશોની માંગણી છે કે, કાળીયાબીડ વિસ્તારમાં એક પોસ્ટ ઓફીસની બ્રાન્ચ હોવી જરૂરી છે અને આ વોર્ડના રહીશો દ્વારા નગરસેવકો પાસે પણ આ વિસ્તારમાં પોસ્ટ ઓફીસની સુવિધા આપવા રજુઆતો કરવામાં આવે છે તો કાળીયાબીડ વિસ્તારમાં પોસ્ટ ઓફીસ સુવિધા ઉભી કરવાથી કાળીયાબીડ સિવાયનાં સીદસર તથા અધેવાડા તથા આજુબાજુનાં બીજા ઘણાં વિસ્તારોને પણ આનો લાભ મળશે. કાળીયાબીડ વિસ્તારમાં વહેલીતકે પોસ્ટ ઓફીસની સુવિધા પ્રાપ્ત થાય તે માટે કાળીયાબીડ વોર્ડના નગરસેવક અને ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના ચેરમેને સાંસદ, મત્સ્યોદ્યોગ મંત્રી તથા ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય તથા હેડ પોસ્ટ માસ્તર પોસ્ટ ઓફીસને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે. પોસ્ટ ઓફીસ શરૂ થાય તો લોકોને ઘણી રાહત થાય તેમ છે ત્યારે આ બાબતે યોગ્ય કરવા માંગણી ઉઠી છે.