ગુજરાતની જનતા પરેશાન,ખેડૂતો આત્મહત્યા કરે છે, વેપારીઓ ડરેલા છે, ગુજરાત કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં છે, જરૂર પડે ત્યારે માલ સપ્લાય કરે છેઃ કેજરીવાલ
(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૪
દિલ્હીના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
તો આ તરફ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો.