સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા બેંક અધિકારીઓ પરત્વેના અન્યાયી, બિનકાયદાકિય અભિગમના વિરોધને વાંચા આપવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસીએશન દ્વારા આંદોલનનું રણશીંગુ ફુકેલ છે. જેના ભાગરૂપે આજે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મેનેજમેન્ટ દ્વારા વિવિધ યોજનાઓના ટાર્ગેન યેનકેન પ્રકારે પુરા કરવા માટે માનસિક દબાણ તેમજ લક્ષ્યાંક પૂર્ણ ન થાય તો ટ્રાન્સફરની ધમકીભર્યા વર્તાવ પરત્વે ઓફિસર્સ સમુદાયમાં ઘેરા રોષની લાગણી ફેલાયેલ છે. તેમના આવા સરમુખત્યારશાહી વલણથી શીખીને તેમની નીચેના ઉચ્ચ અધિકારીઓ પણ તેવી જ ભાષા બોલવા લાગ્યા છે. ગુજરાતભરમાં બેંકની ૬૦૦ ઉપરાંત શાખાઓ એકમાત્ર કર્મચારીથી ચાલી રહી છે તેમજ અમદાવાદ વિભાગમાં ૧૮૦૦થી વધારે અધિકારીઓની તાત્કાલિક નિમણુંક આવશ્યક છે. નવી નિમણુંક ન થતી હોવાથી બેંકના રોજીંદા કામકાજમાં વારંવાર મુશ્કેલી પેદા થાય છે. તેના કારણે જનરલ પબ્લીક સાથે બેંકના સ્ટાફને અવારનવાર ઘર્ષણ થાય છે. આવી વિપરીત પરિસ્થિતિ હોવા છતા ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા અધિકારી વર્ગના કર્મચારીઓને અભદ્ર ભાષાના ઉપયોગથી અપમાનિત કરવામાં આવી રહ્યાં છે તેમજ ગંભીર માનસિક ત્રાસ ઉભો કરવામાં આવેલ છે.
મેનેજમેન્ટની આ પ્રકારની અમાનવિય, બિનકાયદાકિય અને અન્યાયી નીતિ-રીતિઓના વિરોધ માટે સ્ટેટ બેંક ઓફ ઈનંડિયા ઓફિસર્સ એસોસીએશન દ્વારા આજરોજ તા.ર૦-૯-ર૦૧૭ના રોજ ઓફિસ સમય બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એડમીન ઓફિસ નિલમબાગ ખાતે સામુહિક સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ઓફિસર્સ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આગામી તા.રપ સપ્ટેમ્બરના રોજ લોકલ હેડ ઓફિસ, અમદાવાદ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે તેમજ ત્યારબાદ બેંક હડતાલનો કાર્યક્રમ યોજાશે.