કોરોનાના કેસ ૩ કરોડને પારઃ ભારત વિશ્વમાં બીજા ક્રમે : ભારતમાં ૫૦ દિવસમાં ૧ કરોડ કેસ વધ્યા, સંક્રમણ મામલે અમેરિકા પછી બીજા ક્રમે,અમેરિકામાં મૃત્યુઆંક ૬.૨ લાખ તો ભારતમાં ૩.૯ લાખ લોકોના મોત
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
સોમવારે ભારતમાં નોંધાયેલા કોરોનાના નવા કેસનો આંકડો ૯૧ દિવસ પછી ૫૦ હજારની અંદર પહોંચ્યો હતો તે પછી ગઈકાલે નોંધાયેલા કેસની સંખ્યા ફરી એકવાર ૫૦ હજારને પાર ગઈ છે. આ સાથે મૃત્યઆંકમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા ત્રણ કરોડને પાર થઈ ગઈ છે. સંક્રમણના મામલે ભારત અમેરિકા (૩.૫ કરોડ) કેસ બાદ ભારત બીજા નંબર છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારતમાં મંગળવારે કોરોનાના નવા ૫૦,૮૪૮ સંક્રમણ નોંધાયા છે જ્યારે વધુ ૧,૩૫૮ દર્દીઓના જીવ ગયા છે. ભારતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા કેસની સામે વધુ હોવાથી એક્ટિવ કેસનો આંકડો નીચો જઈ રહ્યો છે.ભારતમાં વધુ ૬૮,૮૧૭ દર્દીઓ એક દિવસમાં કોરોનાને હરાવીને સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૯,૯૪,૮૫૫ પર પહોંચી ગઈ છે. ભારતમાં વધુ ૫૦ હજાર કેસ સાથે કુલ સંક્રમણની સંખ્યા ૩ કરોડને પાર કરીને ૩,૦૦,૨૮,૭૦૯ થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૩,૯૦,૬૬૦ પર પહોંચ્યો છે. નવા દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે સાજા થતા દર્દીઓ વધતા એક્ટિવ કેસ ઘટીને ૬,૪૩,૧૯૪ થઈ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮૨ દિવસના તળીયે પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને ૯૬.૫૬% થઈ ગયો છે. જ્યારેદૈનિક પોઝિટિવિટી રેટ ૨.૬૭% થઈ ગયો છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૨ જૂન સુધીમાં કુલ ૩૯,૫૯,૭૩,૧૯૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૯,૦૧,૦૫૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે ૮૨ દિવસ બાદ એક્ટિવ કેસનો આંકડો ૬,૪૩,૧૯૪ પર પહોંચ્યો છે. રિકવરી રેટ હાલ વધીને ૯૬.૫૬% થયો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૬૭% છે.