(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતીય અર્થવ્યવસ્થાના ચાલુ વર્ષ માટેના વિકાસદર અંદાજમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે હવે વર્ષ ૨૦૨૧ની માટે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડીને હવે ૯.૬ ટકા કર્યો છે, જ્યારે અગાઉ તેણે ૧૩.૯ ટકાના જીડીપી ગ્રોથને આગાહી કરી હતી. આ સાથે મૂડીઝે કહ્યુ કે, ઝડપી રસીકરણથી જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રતિબંધ મર્યાદિત હશે.
મૂડીઝે ‘વ્યાપક અર્થશાસ્ત્ર- ભારતમાં કોરોનાની બીજી લહેરનો આર્થિક ફટકો પાછલા વર્ષની જેમ ગંભીર હશે નહીં’ શિર્ષકવાળા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ઉંચી ફિક્વન્સીવાળા આર્થિક સંકેતો દર્શાવે છે કે કોરોના મહામારીની બીજી લહેર એ એપ્રિલ અને મે મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. અલબત્ત રાજ્યો દ્વારા પ્રતિબંધોમાં છુટછાટની સાથે તેમાં સુધારણાની અપેક્ષા છે.રિપોર્ટમાં જણાવ્યુ છે કે, કોરોના મહામારી લહેરથી વર્ષ ૨૦૨૧માં ભારતના વિકાસના પૂર્વઅંદાજોને લઇ અનિશ્ચિતતા વધી છે, અલબત્ત એવી સંભાવના છે કે આર્થિક નુકસાન એપ્રિલ-જૂન ક્વાર્ટરસુધી જ મર્યાદિત રહેશે. મૂડીઝે કહ્યુ કે, અમે વર્ષ ૨૦૨૧માં ભારતનો રિયલ જીડીપી ૯.૬ ટકા અને વર્ષ ૨૦૨૨માં સાત ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીના લીધે કટોકટીનું વર્ષ બનેલા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં ૭.૩ ટકાનુ સંકોચન જોવા મળ્યુ છે. જ્યારે તેની અગાઉના વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતનો વિકાસદર ૪ ટકા નોંધાયો હતો.મૂડીએ જણાવ્યુ કે, કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવેલ ૧૦ રાજ્યો સંયુક્ત રીતે ભારતની કુલ જીડીપીમાં મહામારી પૂર્વ ૬૦ ટકાથી વધારે હિસ્સેદારી ધરાવે છે. ચાર રાજ્યો – મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક એ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં તમામ રાજ્યો કરતા સૌથી વધુ યોગદાન આપ્યુ છે.
મૂડીઝે કહ્યુ કે, ચાલુ ત્રિમાસિકગાળામાં આર્થિક નુકસાનને રોકવા માટે ઝડપી રસીકરણ એ જ સર્વોપરિ છે. જૂનમાં હવે એક જ સપ્તાહ બાકી છે અને અત્યાર સુધી દેશની કુલ વસ્તીના ૧૬ ટકાને જ કોરોના રસીનો પહેલો ડોઝ મૂકાયો છે, તેમાંથી માત્ર ૩.૬ ટકા જ વસ્તીનુ બે ડોઝ સાથે સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયુ છે.