મોંઘવારીના વિરોધમાં ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કલેક્ટર કચેરીના પટ્ટાગંણમાં મોંઘવારી વિરુધ્ધના સુત્રોચ્ચાર કરી દેખાવો યોજાયા હતા. ભાજપની સરકારમાં દિનપ્રતિદીન ભાવવધારો અને મોંઘવારી રોકેટગતિએ વધી રહી છે. ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા સદંતર નિષ્ફળ નિવડી છે. ફક્ત વિકાસની વાતો કરતી ભાજપ સરકાર મોંઘવારી મુદ્દે મૌન છે. મોંઘવારીના વિરોધમાં શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી સામે દેખાવો યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાંધણગેસના ભાવ જેટલા હતા તેના કરતા હાલમાં બમણા થઇ ગયા છે. ઉપરાંત પેટ્રોલ ડિઝલ દિનપ્રતિદિન અસહ્ય મોંઘા થતા જાય છે.તેમ છતાં આ સત્તાધારી ભાજપ સરકાર મોંઘવારી મુદે મૌન છે. કોરોનાના કપરા કાળમાં લોકડાઉનને કારણે લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે મોંઘા પેટ્રોલ – ડિઝલ, રાંધણગેસ સહીતની ચીજ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. તેના કારણે જીવન જરૂરી ચિજ વસ્તુઓ પણ મોંઘી થઇ ગઇ છે. તેથી મહીલાઓને ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. આર્થિક બજેટને સીધી અસર પહોંચી છે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પારૂલબેન ત્રિવેદી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, દર્શનાબેન જોષી, ભરતભાઇ બુધેલીયા સહીતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.