ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૪૦ કેસ નોંધાયા
(જી.એન.એસ.)ભોપાલ,તા.૨૫
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના નવા ડેલ્ટા પ્લેસ વેરિયન્ટના સાત કેસની પુષ્ટિ થઇ છે. જેમાંથી બે દર્દીના મોત નિપજ્યાં છે. ડોક્ટર્સનું કહેવું છે કે, તેમણે વેક્સિન લીધી નહોતી. ત્રણ દર્દીઓએ પહેલાં રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ લીધો હતો, તે સ્વસ્થ થઇ ગયા છે અને કોઇ મુશ્કેલી વગર હોમ આઇસોલેશનમાં છે. ઉપરાંત બે અન્ય દર્દી જેમણે વેક્સિન લીધી નહોતી, તે પણ સંક્રમણને હરાવવામાં સફળ રહ્યાં છે. આમાં એક ૨૨ વર્ષની યુવતી અને બે વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૭ દર્દીઓમાંથી ૩ દર્દી ભોપાલના ઉજ્જૈનના, એક રાયસેન અને એક અશોકનગર જિલ્લાનો છે. તમામ સાત દર્દીની ગયા મહિને કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઇ હતી. તે બાદ તપાસમાં જણવા મળ્યું કે, તેઓ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો શિકાર થયા છે. મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે આવ્યો છે. આમાં કેરળ અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.તજજ્ઞો અનુસાર, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. એને ધ્યાનમાં રાખીને સરકારે બે દિવસ પહેલાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને તૈયાર રહેવા માટે સૂચના આપી હતી. ભારતમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૪૦ કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર, ડેલ્ટા પ્લસના કેસ અત્યાર સુધી નવ દેશ અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, રુસ, ચીન અને ભારતમાં સામે આવ્યા છે.
Home National International મધ્યપ્રદેશમાં કોરોનાના ડેલ્ટ પ્લસ વેરિયન્ટનો કહેર, સાત કેસમાંથી બેનાં મોત