સરકારની મંજૂરી મળે તો કોરોના ગાઈડલાઈન સાથે ૩૬ મી રથયાત્રા યોજવામાં આવશે
ભાવનગરમાં દર વર્ષે યોજાતી જગન્નાથજી ભગવાનની રથયાત્રા કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી બંધ રાખવામાં આવી છે, ત્યારે રથયાત્રા સમિતિના અધ્યક્ષે હરુભાઈ ગોંડલીયા સાથે વાતચીત કરી રથયાત્રાની મંજૂરી અંગે આશા વ્યક્ત કરી હતી કે, મંજૂરી મળશે તો પણ માત્ર હાથી, રથ અને અમુક વાહનો સાથે ૩૬ મી રથયાત્રા તા.૧૨/૭/૨૦૨૧ ને સોમવારના રોજ નિકળશે.ભાવનગર શહેરની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રથયાત્રા છે.
ભાવનગરમાં ૧૭ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળે છે, ત્યારે ગત વર્ષે પણ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું, ત્યારે હાલમાં બીજી લહેર પૂર્ણ થયા બાદ માહોલ કોરોનામુક્ત જેવો છે, ત્યારે સરકારમાંથી મંજૂરી મળે તેવી આશા રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઇ ગોંડળીયાએ વ્યક્ત કરી હતી. જો રથયાત્રાની મંજૂરી ન મળે તો ગયા વર્ષે ની જેમ લોકોને ભગવાનના દર્શન ઓનલાઈન કરવામાં આવશે.શહેરમાં ૩૬મી રથયાત્રાનું સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના વસ્ત્રો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને ભગવાન જે રથમાં નગરયાત્રાએ નીકળશે તે રથની પણ સફાઈ કરવામાં આવી હતી અને રથ ને હવે સુશોભિત કરી શણગારવામાં આવશે. ભાવનગરની આગામી તા.૧૨/૭/૨૦૨૧ ને સોમવારના રોજ નિકળનારી રથયાત્રાને લઇ મંદિર અને ટ્રસ્ટ દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે, જો કે ચાલુ વર્ષે પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇ રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે સરકાર અને વહીવટી તંત્ર સાથે વાટાઘાટ અને ચર્ચાઓ કરી નિર્ણય કરવામાં આવશે તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું.