(જી.એન.એસ.)પારિંપોરા,તા.૨૯
શ્રીનગરના પારિંપોરામાં સોમવાર સાંજથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની આતંકવાદી નદીમ અબરાર અને એક તેનો સ્થાનિક સાથી સામેલ છે. અબરાર લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર પણ હતો. તેની ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત સુધી ફક્ત એક આતંકવાદીના માર્યા જવાના સમાચાર હતા. સોમવાર સાંજે ૬ વાગ્યે સુરક્ષાદળોએ આ સંપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો હતો.સૌથી પહેલા અહીંથી સ્થાનિક લોકોને બહાર નીકાળવામાં આવ્યા. અબરારના પગલે હથિયારોની શોધ કરવામાં આવી રહી હતી, ત્યારે એક ઘરમાં છૂપાયેલા તેના સાથીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આમાં સીઆરપીએફના ૩ જવાન અને અબરાર ઘાયલ થઈ ગયા. જવાબી કાર્યવાહીમાં અબરારનો સાથી માર્યો ગયો. બાદમાં અબરારનું પણ મોત થયું. ૨૪ કલાકમાં શ્રીનગરના સૌથી સુરક્ષિત વિસ્તારોમાં ૩ મોટી ઘટનાઓ બની, જ્યારે ત્રાલમાં આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીના પરિવારને નિશાન બનાવ્યો.ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારના જમ્મુ એરફોર્સ સ્ટેશન અને જમ્મુના આર્મી સ્ટેશન પર ડ્રોન જોવા મળ્યા. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ૨ ધમાકાઓ કરવામાં આવ્યા. આમાં ૨ જવાનો ઘાયલ થયા. ડ્રોન દ્વારા એરબેઝની અંદર ૨ આઇઇડી ફેંકવામાં આવ્યા હતા. બંને ધમાકા શનિવાર રાત્રે દોઢથી ૨ વાગ્યાની વચ્ચે થયા. બ્લાસ્ટ ઇન્ડિયન એરક્રાફ્ટની નજીક થયો હતો. આ જગ્યા ઇન્ટરનેશનલ બૉર્ડરથી ૧૪ કિમીના અંતરે છે.