ગઢેચી વડલાથી રેલવે હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા દબાણો દૂર કરાયા
ભાવનગર શહેર માં ફલાઈઓવર બ્રિજ તથા સિક્સલેન રોડ નવ નિર્માણ ની કામગીરી ચાલી રહી છે આ નવી કામગીરી માં બાધારૂપ બનતાં અનેક દબાણોને મહાનગરપાલિકા ના દબાણ હટાવ સેલ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
વર્ષો બાદ ભાવનગરીઓનુ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ૬ કિલોમીટર નો ફલાઈઓવર બ્રિજ સાથે સિક્સલેન રોડ નવનિર્માણ નું કામ મંદ પણ મક્કમ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે શહેરના આર.ટી.ઓ સર્કલ થી રેલ્વે હોસ્પિટલ સુધીનો રોડ આજેપણ દબાણોથી ભરચક છે જેમાં ખાસ મ્યુ. હસ્તકનુ શોપિંગ સેન્ટર તથા હીરાઉદ્યોગના માંધાતો દ્વારા સરકારી જમીનપર ગેરકાયદે ખડકાયેલા વાહન પાર્કિંગ પોઈંન્ટ તરીકે વાળી લેવાયા છે ઉપરાંત મહાનગરપાલિકા ની માલિકીની જમીનનો કેટલોક હિસ્સો રેલ્વે હોસ્પિટલ દ્વારા વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું અધિકારીગણ પાસેથી જાણવા મળ્યું છે. સિક્સલેન તથા ફલાઈઓવર નવીનીકરણ સાથે વિસ્તૃતિ કરણ માટે દબાણ હેઠળની જગ્યા ખાલી કરાવવી અનિવાર્ય બની હોય આજે સવારે બીએમસી નું દબાણ હટાવ સેલ પોલીસના વિશાળ કાફલા સાથે સરીતાસોસાયટી ના પ્રવેશદ્વારે પહોંચ્યુ હતું અને પ્રથમ લારી-ગલ્લા ધારકોને પોતાની કેબીનો સહિતનો સર સામાન હટાવી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.તદ્દ ઉપરાંત પાક્કા બનાવાયેલા ઓટલાઓ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા જોકે શોપિંગ સેન્ટર સ્થિત દુકાન ધારકોનો આ કામગીરી માં વળ પણ વાંકો થયો ન હતો..! આ મુદ્દે અધિકારીઓને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આ દબાણ મુદ્દે ચર્ચા વિચારણાઓ નો દૌર ચાલી રહ્યો છે અને કેટલાક આસામીઓએ દબાણ નો મુદ્દો કોર્ટમાં પડકાર્યો છે એ સાથે એક ખ્યાતનામ હીરા ઉદ્યોગ અગ્રણી-ઉદ્યોગપતિ દ્વારા વર્ષોથી સરકારી જમીનનો ઉપયોગ વાહન પાર્કિંગ તરીકે કરે છે એ મેટરથી પણ અધિકારી ગણ દૂર રહેતા લોકોમાં આશ્ચર્ય વ્યાપ્યુ કર્યું હતું. તો બીજી તરફ નાના રોજગાર ધારકોમા વહાલા-દવલા ની નિતી ને લઈને કચવાટ ફેલાયો હતો દબાણ હટાવ સેલ રેલ્વે હોસ્પિટલ પાસે પહોંચતા રેલ્વેના અધિકારીઓ દોડી આવ્યા હતા અને દબાણ હટાવ સેલ સાથે ખાનગી ગુફ્તેગુ કરી લેતાં તંત્ર એક પણ હરફ ઉચ્ચાર્યા વિના ત્યાંથી રવાના થયું હતું આ રોડપર પીજીવીસીએલના પોલ ખાનગી ટેલીકોમ કંપનીના બુષ્ટર સેન્ટરો હજું પણ અકબંધ હોય જેને હટાવી લેવા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.