અભિજીત મુખર્જી ગત મહિને કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રિજા અભિષેક બેનર્જીને મળ્યા હતા
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૫
પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીના દીકરા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અભિજીત મુખર્જી ગત મહિને કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રિજા અભિષેક બેનર્જીને મળ્યા હતા. જોકે અભિજીત મુખર્જીએ પહેલેથી જ આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધેલું છે અને પોતે કોંગ્રેસમાં જ રહેશે તેવું સ્પષ્ટપણે જાહેર કરેલું છે. અભિજીત મુખર્જીના નિવેદન પ્રમાણે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને તેઓ ટીએમસી કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે તે સમાચાર ખોટા છે. જોકે ટીએમસીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ગત સપ્તાહે અભિજીત મુખર્જી ટીએમસીના કેટલાક નેતાઓને મળ્યા હતા. ટીએમસી અભિજીત મુખર્જીને જંગીપુર વિધાનસભા બેઠકની ટિકિટ આપશે તેવી પણ અટકળો છે. અભિજીત મુખર્જી સોમવારે સાંજે ટીએમસીના કાર્યાલય ખાતે પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ પ્રસંગે ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને સંસદીય મંત્રી પાર્થ ચેટર્જી ઉપસ્થિત રહ્યા હતા. અભિજીત મુખર્જીએ અગાઉ પણ ટીએમસીના અનેક નેતાઓની મુલાકાત લીધેલી છે. તેઓ ૯ જૂનના રોજ ટીએમસીના જિલ્લાધ્યક્ષ અને જંગીપુર સાંસદ સહિત અનેક નેતાઓને પોતાના જંગીપુર ખાતેના આવાસ પર મળ્યા હતા. આ બેઠકમાં ટીએમસી સાંસદ ખલીલુર રહમાન, જિલ્લાધ્યક્ષ અબૂ તાહિર, ધારાસભ્ય ઈમાની વિશ્વાસ, ૨ મંત્રી અખરૂજ્જમાં અને સબીના યાસ્મીન સહિત અનેક લોકો જોડાયા હતા. જોકે અભિજીત મુખર્જીએ આ વાતનો અસ્વીકાર કર્યો હતો અને તેઓ સૌ પોતાના પિતાના સારા મિત્રો હોવાથી ઘરે ચા પીવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અભિજીત મુખર્જી જંગીપુરના સાંસદ રહી ચુક્યા છે અને મમતા બેનર્જી સાથે તેમના સંબંધો ખૂબ સારા હોવાની ચર્ચા છે.