તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક દિલીપ કુમારના ઘરે શૂટિંગ માટે ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા.૯
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે બુધવારની સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુથી નિશ્ચિતપણે એક યુગનો અંત આવ્યો છે. બોલિવૂડ થી લઈને ટીવી એક્ટર્સ સુધી, તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિલીપ કુમારના નિધન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનું પાત્ર ભજવનારા ઘનશ્યામ નાયકે પણ પોતાની પહેલી મુલાકાતની વાત શેર કરી છે.૭૭ વર્ષીય ઘનશ્યામ નાયકે ૨૫૦ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કેન્સરથી પીડિત છે અને અત્યારે એક્ટિંગની દુનિયાથી દૂર છે. ઘનશ્યામ નાયકે જણાવ્યું કે, દિલીપ કુમારના નિધનની ખબરથી ઘણો દુખી છું. તે એક મહાન વ્યક્તિ હતા. મને તેમની સાથે એકવાર કામ કરવાની તક મળી હતી. અમે એક ટીવી શૉના શૂટિંગ માટે તેમના બંગલા પર ગયા હતા. હું તે દિવસ ક્યારેય નહીં ભુલી શકુ.તેમણે આગળ જણાવ્યું કે, દિલીપ સાહેબે ઘણાં સમય પહેલા એક ટીવી શૉ પ્રોડ્યુસ કર્યો હતો, જેનું નામ હતું ઝરા દેખો તો ઈનકા કમાલ. આ ટીવી શૉમાં એક નોકરનો રોલ કરવાનો હતો. લેખક અહમદ નકવીએ તે રોલ માટે મારું નામ જણાવ્યું. તેમણે કહ્યું કે, આ રોલ માટે ઘનશ્યામ નાયક બેસ્ટ છે, તેને બોલાવો. શૉનું શૂટિંગ દિલીપ કુમારના બંગલામાં થયુ હતુ. હું જ્યારે ત્યાં પહોંચ્યો તો તેમણે મને જોયો અને કહ્યું કે, આવો ઘનશ્યામ આવો. હું ચોંકી ગયો. આટલા મોટા માણસ મારી સાથે આટલા પ્રેમથી વાત કરે છે. પછી તેમણે મારા ખભા પર હાથ મુક્યો અને આખો સીન સમજાવ્યો. તે મને બંગલાની અંદર લઈ ગયા અને કહ્યું ચાલો શૂટિંગ શરુ કરીએ. ઘનશ્યામ આગળ જણાવે છે કે, મારે તમની સાથે બસ એક જ દિવસનું શૂટિંગ કરવાનુ હતું. પરંતુ આજે પણ તે એક દિવસ મને યાદ છે. મારો સીન પૂરો થયો તો તેઓ મારી પાસે આવ્યા અને મારા કામના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, તમારો ચેક તૈયાર છે, પરંતુ જ્યાં સુધી અમારી સાથે જમો નહીં ત્યાં સુધી તમે નથી જઈ શકતા. તેઓ એક સુપરસ્ટાર અને હું તેમની સામે કંઈ નહોતો, છતા તેમનો આ વ્યવહાર મને ચોંકાવી ગયો. તેમણે કહ્યું કે, તમે પરિવારના સભ્ય જેવા છો, આમ જમ્યા વિના ના જઈ શકો. ફિલ્મસિટીમાં અમે જ્યારે હમ દિલ દે ચુકે સનમનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ ત્યાં આવ્યા હતા. મેં તેમને જોઈને હાથ હલાવ્યો, તે મને ઓળખી ગયા અને વાત પણ કરી.