ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૪ કલાકમાં સંપન્ન

335

વહેલી સવારે અમિત શાહે મંગળા આરતી કરી : પહિંદવિધિમાં મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા, સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઇ
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૨
અમદાવાદમાં આજે કર્ફ્યુની વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. જો કે, ૪ કલાકમાં જ ભગવાનના ત્રણેય રથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત આવી પહોંચ્યા છે. જણાવી દઈએ કે, પહિંદ વિધિ બાદ મંદિરથી નીકળેલી રથયાત્રા સરસપુર આવી પહોંચી હતી. જ્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું અને પછી ભગવાનને મોસાળમાંથી વિદાય આપવામાં આવી હતી. આયોજન મુજબ રથયાત્રા બપોરે ૧૨ વાગ્યા સુધી પરત આવવાની હતી, પરંતુ નિયત સમયના એક કલાક પહેલા જ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. રથયાત્રા દરમિયાન લોકોએ પણ સ્વૈચ્છિક નિયમોનું પાલન કર્યું અને ઘરે રહીને જ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો.

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા પરંપરાગત વિધિઓ સાથે નીકળી હતી. વહેલી સવારે ૪ વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં.

રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાનાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, ભગવાનની રથયાત્રા આટલા ઓછા સમયમાં શાતિથી પૂર્ણ થઇ છે.મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.રથયાત્રા નિયત સમય કરતા પહેલા જ એટલે સવારે ૧૧ કલાકે જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ હતી.
જેથી ૧૧.૩૦ કલાકે કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો. આ વખતે ન તો ભજન મંડળી હતી કે કોઇ ગજરાત હતા કે ન કોઇ ટ્રક કે અખાડા હતા પરંતુ આ વખતે રથ સાથે કડક પોલીસ બંદોબસ્ત હતો. રથયાત્રામાં ત્રણ રથ, બે અન્ય વાહનો તથા પોલીસ કાફલો જ જોવા મળી રહ્યો હતો.રથયાત્રા પૂર્ણ થયા બાદ પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું હતું. જેમાં રથયાત્રામાં લોકોનો સાથ સહકારની પ્રશંસા કરી હતી.પ્રદિપસિંહ જાહેજાએ જણાવ્યું છે કે, રથયાત્રા કોરોના મહામારીની પરિસ્થિતિમાં લોકોની શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્યનું પણ જતન થાય તે માટે પ્રોટોકોલનાં આધારે નીકળેલી રથયાત્રા સમગ્ર નગરની અંદર ૨૨ કિલોમીટરની પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિર પરત આવી ગયા છે. તે આપણા બધા માટે આનંદનો વિષય છે.
મંદિરનાં મહારાજ દિલીપદાસજી, મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને આ આયોજન સાથે સંકળાયેલા તમામ લોકોનો હું આભાર માનું છું.

Previous articleએન.એસ.યુ.આઈના મહામંત્રી અલફાઝ કાલવાનો આજે જન્મદિવસ છે
Next articleરાજસ્થાન,ઉ.પ્રદેશ,મ.પ્રદેશમાં વીજળી ત્રાટકતા ૭૦થી વધુના મોત