શહેરના ઈસ્કોન મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં ભગવાન નરસિંહના પૃથ્વી પ્રાગટ્યની કથા દરમ્યાન બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોને ધર્મરસમાં તરબોળ કર્યા હતા.
શહેરના તળાજા જકાતનાકાથી સિદસર તરફ જવાના રોડ પર આવેલ હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાયના ઈસ્કોન ધામ ખાતે પવિત્ર ચૈત્ર માસ અન્વયે ભાગવત કથા ચાલી રહી છે. જે અન્વયે આજે કથા પ્રસંગમાં વિષ્ણુ ભગવાનના અવતાર ભગવાન નરસિંહના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આ ધામમાં ચાલતા પ્રહલાદ પાઠશાળાના ભુલકાઓ દ્વારા ભગવાન નરસિંહનું પ્રાગટ્ય અને અસુર હિરણ્યાકશીયુનો વધ નાટક વ્યાસપીઠ પર ભજવ્યું હતું. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાની વાણી અને ભુલકાઓના અભિનય થકી ઉપસ્થિત શ્રોતાગણ ભક્તિભાવમાં લીન બન્યા હતા. આજના પ્રસંગે પ્રહલાદ પાઠશાળાના ઋષિકુમારો જેમાં જાસોલીયા ઉત્સવ, વિશ્વ જાસોલીયા, કેનીલ જાસોલીયા, ક્રિષ્ન જોશી તથા રૂદ્ર મહેતા સહિતના ભુલકાઓએ ભાગ લીધો હતો. આ નાટક તૈયાર કરવા પ્રહલાદ પાઠશાળાના અમલા સીતા પંજાબી, સંતોષબેન, ધ્રુવીબેન, કિંજલ મહેતા સહિતનાઓ તથા પ્રભુજીએ ભારે જહેમત ઉઠાવી હતી.