(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૩
પોલીસમાં ભરતી થવાનું સપનું અનેક યુવાનો સેવતાં હોય છે. પણ અમદાવાદમાં ખાખીના શોખનો એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી ખાખી પ્રત્યેના શોખને કારણે પોલીસ વર્દી પહેરીને રસ્તા પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો હતો. જો કે અસલી પોલીસના હાથે આવી જતાં હાલ તેની હાલત કફોડી બની ગઈ છે.
અમદાવાદના નરોડ વિસ્તારમાં હંસપુરા બસ સ્ટેન્ડ પાસે એક ખાખીધારી યુવાન વાહનચાલકોને રોકીને તેમની પાસેથી પૈસા પડાવતો હતો. જો કે આ વાતની બાતમી નરોડા પોલીસને મળી ગઈ હતી. જે બાદ પોલીસે હંસપુરા બસ સ્ટેન્ડ પાસે પહોંચી યુવાનની પુછપરછ કરી હતી. અને કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેવો સવાલ કર્યો હતો.અસલી પોલીસ આવી જતાં નકલી પોલીસના હોંશ ઉડી ગયા હતા. આરોપી યુવાને જણાવ્યું કે તેનું નામ મિહિર મોદી છે. અને પોતે એન્જિનીયરિંગનો વિદ્યાર્થી છે. અને ખાખીનો શોખ હોવાથી તે નકલી વર્દી પહેરીને રોડ પર રૌફ જમાવવા માટે ઉભો હતો. આમ અસલી પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધી તેની એક્ટિવા, નેમ પ્લેટ, પોલીસ યુનિફોર્મ સહિતનો માલસામાન કબ્જે કર્યો છે.