ઘોઘા તાલુકાના ખડસલીયા ગામે રહેતી એક પરણિતાએ પુરા માસે ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપતા કોળી પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી છે.
ફાંટાબાજ કુદરત કાળામાથાના માનવીઓ જોડે ક્યારેક ગજબનો ખેલ ખેલે છે. સમાજમાં પતિ-પત્નીને સંતાન સુખ માટે ખૂબ તલસાવે છે. શેર માટીની ખોટ પુરવા માટે અનેક પ્રકારની બાધા આખડીઓ સાથે અનેક મોંઘી સારવાર છતા બાળકનું મુખ જોઈ શકતા નથી. તો ક્યારેક એક સંતાનની આશાએ બબ્બે-ત્રણ-ત્રણ બાળકો આપી અચરજ સર્જે છે.
આવા જ એક બનાવમાં કુદરતે ગરીબ માવતરની ઝોળીમાં એક સાથે ત્રણ બાળકોની ભેટ ધરી કૃતજ્ઞ કર્યા છે. સમગ્ર રસપ્રદ ઘટના અંગે મેડિકલ વિભાગના જણાવ્યા અનુસાર ઘોઘા તાલુકાના ખડસલીયા ગામે રહેતા અને ખેતમજુરી સાથે સંકળાયેલા ખેડૂત મેહુલભાઈ ડાભીના પત્ની સંગીતાબેન ઉ.વ.ર૪ સગર્ભા હોય હાલ નવમો માસ શરૂ હોય તેઓ તેમના પતિ સાથે રૂટીન ચેકઅપ અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલના મેટરનીટી હોમમાં આવેલ જવા ગાયનેક તબીબે સોનોગ્રાફી સહિતના ટેસ્ટ કરતા મહિલાના ગર્ભાશયમાં ત્રણ બાળકો પોષણ મેળવી રહ્યાં હોવા સાથે ડીલેવરી માટે તૈયાર હોવાનું જણાયું હતું. આથી તબીબે મહિલાના પરિવારને સમગ્ર બાબતથી અવગત કરતા પરિવારે તત્કાલ હોસ્પિટલમાં મહિલાને એડમીટ કરાવી હતી. જ્યાં ગાયનેક તબીબોની ટીમએ મહિલા પર સીઝેરીયન કરી ત્રણ સ્વસ્થ બાળકોની ભેટ સંગીતાબેનને ધરી હતી. એક સાથે ત્રણ-ત્રણ પુત્રો થતા દંપતિની આંખો હર્ષશ્રૃથી છલકાઈ હતી. તબીબોની અથાગ મહેનતની ફલશ્રૃતિએ ત્રણેય પુત્રો તથા માતાની હાલત સ્વસ્થ રહી હતી. ત્રણ સંતાનો એક સાથે પ્રાપ્ત થતા ગરીબ દંપતિએ દેવસ્વરૂપ ડોક્ટરો તથા પરમાત્માનો પુલકિત મને આભાર માન્યો હતો. ડીલેવરી બાદ માતા પુત્રોની સ્વસ્થ હાલત જણાતા ખીલખીલાટ વાનના ડો.નરેશ રાઠોડ તથા ટીમએ કાળજીપૂર્વક તેમના ગામ પહોંચાડ્યા હતા.