ગાંધીનગર જિલ્લામાં પીવાના પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર એસ. કે. લાંગાએ બોલાવેલી બેઠક દરમિયાન કેનાલમાંથી પાણીની ચોરી કરવાના કિસ્સા અટકાવવા તપાસનો આદેશ આપ્યો હતો. ખેતરમાં પિયત માટે તથા બાંધકામ સાઇટ્સ માટે પાણીની ચોરી કરવામાં આવતી હોય તો તેવા કિસ્સા પકડવા કલેકેટરે અધિકારીઓને કહ્યું હતું. સાથે જ જિલ્લામાં ઘાસચારા અને પાણીની કોઇ ચિંતા નહીં હોવાનું તથા પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યુ હતું.
ગાંધીનગર જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને હાલમાં કોઇપણ સ્થળે પાણીની સમસ્યા નથી. તેવી જ રીતે જિલ્લામાં ૧૧ હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યુ હોવાના આંકડા જિલ્લા ખેતીવાડી તંત્ર તરફથી આપવામાં આવેલા છે.
જિલ્લાના પશુઓ માટે જથ્થો પર્યાપ્ત ન થાય તો અન્ય વ્યવસ્થા કરી શકાય તેમ હોવાનું જણાવાયું છે. ત્યારે નર્મદા કેનાલની બન્ને બાજુએ મળીને વધુ ૫ હજાર હેક્ટર સચારાનું વાવેતર કરી શકાય તેમ હોવાથી આ સંબંધે સરકારમાં રજુઆત કરીને ઘાસના વાવેતર માટે પિયત સહિતની વ્યવસ્થા ગોઠવાશે તો ખેડુતોને આ વાવેતર માટે પ્રોત્સાહિત કરાશે.કલેક્ટર દ્વારા ઘાસચારો અને પાણીની સ્થિતિ સંબંધેનો અહેવાલ રાજ્યના મુખ્ય સચિવને પણ મોકલી આપવામાં આવ્યો હતો.
અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી કે પાણીની ખેતી અને બાંધકામના હેતુ માટે થતી ચોરી અટકાવવા માટે તમામ પગલા ભરવામાં આવે. સુકા વિસ્તારમાં ક્યાંય લીલું ખેતર જોવામાં આવે તો ત્યાં સ્થળ તપાસ કરીને પાણીના સોર્સની તપાસ કરવામાં આવે અને આવા વિસ્તારમાં બાંધકામ સાઇટ્સ પર ક્યાંથી પાણી આવે છે તે પણ તપાસવામાં આવે તે જરૂરી છે. ખેડુતોને બટાટાની સરખામણીએ જુવાર, ઘાસચારાના કિલો કે મણના ભાવ વધુ મળતા હોય છે. કલેક્ટરે જણાવ્યું કે ખેડુતોના આ દષ્ટિકોણને ધ્યાને રાખીને કેનાલની બન્ને બાજુએ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના પર સરકાર સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવાશે.