મધ્ય પ્રદેશની દુર્ઘટનામાં ઘાયલ અને મૃતકોની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી થઈ શકી ઘટનાસ્થળે રેસ્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
(સં. સ. સે.)વિદિશા,તા.૧૬
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવામાં બાળક પડી ગયું. તેને બચાવવા માટે જ્યારે લોકો પહોંચ્યા તો કૂવો જ ધસી પડ્યો. કૂવાની આસપાસ ભારે ભીડ હતી. જેના કારણે લગભગ ૪૦ લોકો કૂવામાં પડી ગયા. દુર્ઘટનામાં ઘાયલ અને મૃતકોની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી થઈ શકી. ઘટનાસ્થળે રેસ્યૂસપ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કૂવો ધસી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે, જ્યારે ૧૫-૨૦ લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટના થતા જ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ તેની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવના કામમાં લાગેલી છે. મામલાને લઈ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ તે સમયે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ વિદિશા જિલ્લામાં જ હતા. તેમણે તાત્કાલિક એનડીઆર ભોપાલની ટીમો અને અધિકારીઓને ઘટનાસ્થળે રવાના કર્યા. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચીફ સેક્રેટરી, ડીજીપી અને એસડીઆરએફના ડીજી સાથે પણ વાત કરી. ઘટનાસ્થળ માટે એસડીઆરએફની ટીમ આવશ્યક ઉપકરણો સાથે રવાના થઈ હતી. જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગ પણ ભોપાલથી વિદિશા પહોંચી ગયા હતા. કમલનાથે ટ્વીટ કર્યું કે, વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં અનેક લોકો કૂવામાં પડવાનો મામલો સામે આવ્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સુરક્ષિત રહે અને પ્રશાસન તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડે. વિદિશામાં ગુરૂવારે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહની દત્તક પુત્રીઓના લગ્ન થવાના હતા. મોડી સાંજે ગંજબાસૌદા દુર્ઘટના બાદ શિવરાજ સિંહે દીકરીઓના વિવાહ સ્થળને કન્ટ્રોલ રૂમ બનાવી દીધો.