પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે તપાસણી કેમ્પ યોજાયો

784

૨૧ ગામોની ૭૬ સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી જરૂરી લોહી-પેશાબના તમામ રિપોર્ટની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ દ્વારા સગર્ભા માતાની તપાસણી કેમ્પ યોજાયો હતો. આ તપાસણી કેમ્પ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટેની ઘનીષ્ટ આરોગ્ય તપાસ થઇ શકે તેવાં હેતુથી યોજવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ હેઠળ આવતાં ૨૧ ગામોની સગર્ભા માતાઓની તપાસણી-સારવાર કરી જરૂરી લોહી-પેશાબના તમામ રિપોર્ટની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ૨૧ ગામોમાંથી ૭૬ સગર્ભા બહેનોની તપાસણી કરવામાં આવી હતી તથા જરૂરી દવાઓ-સારવાર- સલાહની ત્રિવિણીરૂપે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. ગામડાની બહેનો સામાન્ય રીતે દવાખાને જતાં ડર અનુભવતી હોય છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને દવા લેવામાં કે ઇન્જેક્શનના ડરથી દવાખાને આવવામાં ડર અનુભવતી હોય છે તેવાં સમયે ૨૧ ગામોની સગર્ભા મહિલાઓનો આશા બહેનોના માધ્યમથી ઘરે જ સંપર્ક કરીને એક જ સ્થળે બોલાવીને તેમની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમના લોહી- પેશાબના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણને આધારે તેમને દવા તથા જરૂરી સલાહ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ખીલખીલાટ વાન દ્વારા તેમને સુરક્ષિત રીતે તેમના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવામાં પણ આવી હતી. આમ, આવી સંવેદનશીલ અને કાળજીભરી કામગીરી માટે આ સગર્ભા મહિલાઓએ રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી. મેડિકલ સ્ટાફની સેવા- સુશ્રુષાની પણ તેમણે સરાહના કરી હતી અને કહ્યું હતું કે, જે રીતે ઘરના વ્યક્તિ કાળજી રાખે તે રીતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અમારી કાળજી રાખી રહ્યાં છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.એચ.ઓ જાગૃતિબેન, રશ્મિબેન, લેબ ટેક્નીશિયન સોનલબેન તથા આરોગ્ય કાર્યકર ભાઈ-બહેનો કેતનભાઈ, રાહુલભાઇ, કિરણબેન, જલ્પાબેન, આશા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કામગીરીમાં સગર્ભા બહેનોને ગામમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી લાવવાં- લઈ જવાં માટે ૧૦૮ ની ખીલખીલાટ એમ્બ્યુલન્સ વાનની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.

Previous articleભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર, ડીઝલના રુ. ૯૮.૩૮ થતાં લોકોને મુશ્કેલી
Next articleઅમિત મારો પ્રેમ છે અને પ્રેમ મારી કિસ્મત : રેખા