ભંડારિયામાં નવરાત્રિની શાસ્ત્રોક્ત ઉજવણીનો ધર્મોલ્લાસભેર પ્રારંભ

696

ગોહિલવાડના પ્રસિધ્ધ અને પ્રાચિન શક્તિધામ ભંડારિયામાં આજે ગુરૂવારથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે નવરાત્રિ મહોત્સવ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નિજમંદિરમાંથી માતાજીની આંગી-ગરબીને પુરા માન-સન્માન સાથે માણેકચોકમાં પધરાવાઈ હતી. તબલાના ત્રગડા અને ભૂંગળના સુર સાથે નવરાત્રિના નવ જાગ માટે ભવાઈના અંશ સમા ધાર્મિક અને સામાજિક નાટકોની પ્રસ્તુતિ સાથે નવલા નોરતાની પરંપરાગત ઉજવણી થશે. આજે પ્રથમ દિવસથી જ માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી હતી.
બહુચરાજીના સાનિધ્યમાં યોજાતા નવરાત્રિ ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની મહેક આવે છે. પશ્ચિમી સંસ્કૃતિને પગપેસારો નહીં કરવા દઈ માઈ ભક્તો અને ગ્રામજનોએ પ્રાચિન પરંપરા જાળવી રાખી છે. એટલું જ નહીં પેઢી દર પેઢી આ સેવાયજ્ઞમાં લોકો જોડાઈ રહ્યાં છે. જુદા જુદા વિભાગમાં કામ કરતા સ્વયંસેવકોની શ્રધ્ધા-ભાવના અને સમર્પણ ભાવથી નવરાત્રિ ઉત્સવ દીપી ઉઠે છે. આજના સિનેમા યુગમાં પણ માણેકચોકના રંગમંડપમાં ભજવાતા નાટકો જોવા પેક્ષકોની ભીડ જામે છે. નવરાત્રિ પૂર્વે દિવસો અગાઉથી તે માટે કરાતી મહેનત અને નાટક મંડળીની કલાકારીને તે આભારી છે. આજે પણ બહારગામથી ખાસ નાટક જોવા આવનારો વર્ગ છે. અહીં મંદિરમાં ખુબ જ ભવ્ય સાયં આરતી કરવામાં આવે છે. જેના દર્શનનો લ્હાવો લેવા જેવો છે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ ઉપરાંત મેલડી માતાજી મંદિર, સોંડાઈ મંદિર અને પ્રગટનાથ બહુચરાજી મંદિર દ્વારા નવરાત્રિ ઉત્સવનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે. ગામની મુખ્ય બજારોને રોશનીનો શણગાર સજવામાં આવ્યો છે. ઘરે ઘરે ગરબા પધરાવી માતાજીની ભક્તિ થઈ રહી છે. અહીં અષ્ટમીનો હવન તા.ર૮ને ગુરૂવારે સવારે ૯થી સાંજના પ સુધી યોજાશે.

Previous articleરાજુલા-મહુવા રૂટની બસનો સમય યોગ્ય કરવા માંગણી
Next articleશિશુવિહાર દ્વારા બાળ આરોગ્ય શિબિર