ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલથી ઘોઘાસર્કલ રોડ વચ્ચે ડિવાઇડરમાં નખાતી સ્ટ્રીટલાઇનના ફાઉન્ડેશનમાં ગેરકાયદેસર રીતે પીજીવીસીએલની લાઇનમાં જોળા નાખી ડાયરેક્ટ વિજ પાવર મેળવવામાં આવતો હોવાનું ખુલવા પામતા આ અંગે ભારે વાદ-વિવાદો અને ચકચાર મચી જવા પામી છે. શહેરમાં જુદા જુદા ૯ રસ્તા પર સેન્ટ્રલ ડિવાઇડરમાં સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર હસ્તક ચાલી રહ્યું છે. જેમાં કુલ ૩૯૪ લાઈટો નખાશે. સ્ટ્રીટ લાઈટ નાખવા માટે ફાઉન્ડેશનનો ખાડો ગાળવા બ્રેકરનો ઉપયોગ કરતા હોય છે. એર બ્રેકર અથવા જનરેટર સાથે રાખીને ખાડા કરતા હોય છે પરંતુ હાલમાં મહિલા કોલેજ સર્કલ થી ઘોઘાસર્કલ સુધીના સેન્ટ્રલ ડિવાઇડરમાં ચાલતા સ્ટ્રીટ લાઇટના કામમાં ફાઉન્ડેશન માટે પીજીવીસીએલના વીજ વાયરમાંથી સીધુ જ ગેરકાયદેસર જોડાણ લઈ ઇલેક્ટ્રિક બ્રેકરથી કામ કરી રહ્યા છે. ખુલ્લેઆમ વીજ ચોરી કરી થતાં સ્ટ્રીટ લાઈટના કામથી વાદ -વિવાદ જાગ્યો છે.