ક્રાઈમ બ્રાન્ચે રાજને સાથે રાખીને તેના ઘરે તપાસ કરી : શિલ્પા વિઆન ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર પદે હતી, પોર્ન ફિલ્મો બનાવાનું અને ડિસ્ટ્રીબ્યૂટ કરવાનું કામ થતું હતું
(સં. સ. સે.) મુંબઈ, તા.૨૪
પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શુક્રવારે બપોરે રાજ કુંદ્રાને સાથે રાખીને તેના જૂહુ સ્થિત ઘરે તપાસ કરી હતી. મહત્વના પુરાવા શોધી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ઘરે ૬ કલાક તપાસ ચલાવી હતી. તપાસ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હાલ ક્રાઈમ બ્રાંચની ટીમ કેસમાં શિલ્પા શેટ્ટીની સંડોવણી છે કે કેમ તે શોધી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, શિલ્પા શેટ્ટી હાલ ક્રાઈમ બ્રાંચની આંખમાં આવી છે કારણકે તેણે પતિ રાજ કુંદ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપ્યું છે. શિલ્પા વિઆન ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર પદે હતી. કથિત રીતે પોર્ન ફિલ્મો બનાવાનું અને તેને ડિસ્ટ્રીબ્યૂટ કરવાનું કામ વિઆન ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી થતું હતું ત્યારે પોલીસ જાણવા માગે છે કે, આ ફિલ્મો દ્વારા કંપનીને થતી કમાણીની રકમ શિલ્પાના ખાતામાં ટ્રાન્સફર થતી હતી કે કેમ. સૂત્રએ એમ પણ જણાવ્યું કે, આ જ કારણોસર શિલ્પા શેટ્ટીના બેંક અકાઉન્ટની પણ તપાસ થશે. શિલ્પા શેટ્ટી કેટલા વર્ષ સુધી કંપનીના ડાયરેક્ટર પદે રહી તે પણ ક્રાઈમ બ્રાંચ જાણવા માગે છે. ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાના બેંક અકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, મર્ક્યૂરી ઈન્ટરનેશનલ (ઓનલાઈન બેટિંગ અને કસિનો ગેમિંગ ચલાવતી કંપની) દ્વારા રાજ કુંદ્રાના અકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, તેમને રાજ કુંદ્રાના બેંક અકાઉન્ટમાં મોટાપાયે ડોલર અને પાઉન્ડ ટ્રાન્સફર થયા હોવાની વિગતો મળી છે, જેની તપાસ જરૂરી છે. અગાઉ મીડિયામાં અહેવાલો હતા કે, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વિઆન ઈન્ડસ્ટ્રીઝના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. જેથી ડિજિટલ એપને લગતો ડેટા કોણે ડિલિટ કર્યો તેની જાણકારી મળી શકી. ફોરેન્સિક એક્સપર્ટ ડિલિટ કરેલો ડેટા પાછો મેળવવાની કોશિશ કરશે. આ તરફ અન્ય એક મીડિયા રિપોર્ટ મુજબ, શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાના સમર્થનમાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, શિલ્પાએ હોટશોટ્સ એપ સાથે પોતાને કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું છે. સાથે જ પતિનો બચાવ કરતાં તે પોર્ન ફિલ્મો ન બનાવતો હોવાની વાત કરી છે. શિલ્પાએ એમ પણ કહ્યું કે, ઈરોટિક અને પોર્નમાં તફાવત છે.
ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મો બનાવાના કેસમાં રાજ કુંદ્રાના રિમાન્ડ ૨૭ જુલાઈ સુધી લંબાવાયા છે. શુક્રવારે કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ ક્રાઈમ બ્રાંચ રાજ કુંદ્રાને લઈને તેના જૂહુ સ્થિત ઘરે પહોંચી હતી. આ કેસમાં ૧૯ જુલાઈએ રાજ કુંદ્રા અને તેની કંપનીના આઈટી હેડ રાયન થાર્પની ધરપકડ થઈ હતી.