કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટેનો રૂ. ૧૨ લાખનો ખર્ચ સાંભળીને અમારી તો હિંમત અને ’ધૈર્ય’ બન્ને તૂટી ગયાં હતાં. પરંતુ રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે આજે ધૈર્યનું સફળતાપૂર્વક ઓપરેશન થયું છે અને આગામી સમયમાં તે બોલતો થઈ જશે તેવો વિશ્વાસ ધૈર્યના પિતાશ્રી શૈલેષભાઈ પંડ્યા વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈ પંડ્યાએ જણાવ્યું કે, તેમનો ધૈર્ય નાનપણથી જ સાંભળવાની ક્ષમતા ધરાવતો ન હતો. તેની સારવાર માટે અમે ઘણી બધી જગ્યાએ બતાવ્યું પરંતુ તેની કોઇ સારવાર સફળ થઈ નહીં. આ રોગની સારવાર માટે ઓપરેશન એ એકમાત્ર ઇલાજ હતો અને આ ઓપરેશનનો ખર્ચ રૂ. ૧૦ થી ૧૨ લાખ થાય તેમ હતો. હું સામાન્ય માણસ છું અને આટલાં બધાં પૈસા ખર્ચવાની મારામાં તાકાત ન્હોતી. તેથી મનોમન મૂંઝાતો હતો. તેમણે કહ્યું કે, ધૈર્યની મુશ્કેલી જોઈ જતી નહોતી અને તેની પીડા જોઈને મને બહુ દુઃખ થતું હતું પરંતુ શું કરવું…તેનો કોઇ માર્ગ મળતો નહોતો… ઓપરેશન કરાવવા માટે અમદાવાદ જવું, ક્યાં રોકાવું અને આ બધો ખર્ચો કરવો મારા બસની વાત નહોતી. તેથી એક અજીબ પ્રકારની કસમકસ ચાલતી હતી. પરંતુ આજે ભાવનગરમાં જ આ સુવિધા શરૂ થતાં અને તેમાં શરૂઆતના ઓપરેશનમાં જ મારા બાળકનો નંબર આવી જતા મને ઘણો આનંદ થયો છે તેમણે ગળગળા સ્વરે જણાવ્યું હતું. રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે એનો આ નમૂનો છે. નાના બાળકોની પિતા જે પ્રકારે કાળજી રાખે એ પ્રમાણે રાજ્ય સરકાર આવા બાળકોની સંવેદનશીલતાથી કાળજી લઇ રહી છે. ધૈર્યના ઓપરેશન, સ્પીચ થેરાપી વગેરે સાથે રૂ. ૧૨ લાખનો ખર્ચ થશે પરંતુ તેમાંથી મારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. આવી ઉત્તમ સારવાર કોઈ અન્ય રાજ્યમાં છે કે કેમ તે સવાલ છે. વિજયભાઈ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુરું થવામાં છે ત્યારે તેઓ જે રીતે કહે છે કે રાજ્યને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવું છે…તો હું કહીશ કે આ ઉત્તમ નહીં સર્વોત્તમ પ્રકારની સારવાર છે… તે ફક્ત અને ફક્ત ગુજરાતમાં ઉપલબ્ધ છે. આ પ્રકારની સેવા માટે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.