ડીસા તાલુકાના શેરપુરા ગામે પાંજરાપોળ અને ગૌ શાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી.બેઠકમા સરકાર દ્રારા આગામી સાત દિવસમાં સરકાર દ્રારા પ્રતિ પશુએ સહાય તથા ઘાસચારાની સહાય નહીં કરવામાં આવે તો ૯૭ જેટલી ગૌ શાળાના સંચાલકો તેમના ૫૫ હજાર જેટલા પશુઓ સરકારી કચેરી ખાતે છોડી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. જિલ્લામાં ગત વર્ષે આવેલા પુરના કારણે જિલ્લામાં કરોડોનું નુકશાન થયું હતું બીજી તરફ પુરના કારણે ઘાસચારામાં અછત વર્તાતા ગૌ શાળા સંચાલકો અને પાંજરાપોળના સંચાલકોની કફોડી હાલત થઇ હતી.
જોકે ગત ૧૯ માર્ચના રોજ તમામ પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને સરકાર દ્રારા પ્રતિ પશુએ સહાય ચૂકવી અને ઘાસચારામા સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી. જોકે આવેદનપત્ર પાઠવ્યાને ૨૫ દિવસ જેટલો સમય વીતવા છતાં કોઈ સહાય ના ચૂકવતા રવિવારે ડીસા તાલુકાના શેરપુરા ગામે ૯૭ જેટલા ગૌશાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઇ હતી.જેમાં જો સરકાર દ્રારા સાત દિવસમાં સહાય નહીં અપાય તો ૫૫ હજાર જેટલા પશુઓ સરકારી કચેરી ખાતે છોડી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.
જિલ્લામાં પુર બાદ ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળોના સંચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે તેમ છતાં સરકાર દ્રારા કોઈ સહાય નથી મળી. તમામ પાંજરાપોળો તથા ગૌશાળા સંચાલકોએ કલેકટરને આવેદન પાઠવી સહાયની માંગ કરી છે.માંગ નહીં સ્વીકારાય તો અઠવાડિયામાં તમામ પાંજરાપોળના સંચાલકોને સરકારી કચેરી ખાતે ઢોર છોડી મુકવાની ફરજ પડશે.