એક ઇંચ પણ જમીન નહી આપીયે, સુપ્રીમ કોર્ટ જઇશુઃ હિમંતા બિસ્વા

175

(જી.એન.એસ)દિબ્રૂગઢ/ન્યુ દિલ્હી,તા.૨૭
પડોશી રાજ્ય મિઝોરમ સાથેના સરહદ વિવાદને લઈને આસામ સરકાર હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ જણાવ્યું છે કે રાજ્યની એક ઇંચ જમીન કોઈને નહીં આપીએ. હવે સંસદ જો કાયદો બનાવે કે બરાક વેલી મિઝોરમને આપવામાં આવે તો મને તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ જ્યાં સુધી સંસદ નિર્ણય નહીં લે ત્યાં સુધી હું કોઈને પણ જમીન નહીં આપું. સીએમ હિમન્તા બિશ્વા સરમાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે આસામની સરહદમાં કોઈ દાખલ થાય. ગઇકાલની હિંસા દરમિયાન સતત અડધો કલાક સુધી ફાયરિંગ ચાલ્યું છે. તેમા અમારા પાંચ જવાનના મોત થયા. ગઈકાલથી ચાર હજાર કમાન્ડોને બોર્ડર પર લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ વર્ષોથી ચાલતો આવતો મુદ્દો છે. અમારી સરકાર આ મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ નથી, પરંતુ બે રાજ્યો વચ્ચેનો ચાલતો મુદ્દો છે. અમને કોઈની જમીન જોઈતી નથી. આસામ શાંતિ માટે કામ કરે છે. આ મુદ્દો જમીન માટે નહીં પરંતુ જંગલ માટે છે. આસામ લોકોના ભલા માટે જંગલ બચાવવાનું કામ કરી રહ્યું છે. અમારી મિઝોરમ સાથે કોઈ લડાઈ નથી, પરંતુ અમે અમારી જમીન કોઈને નહીં આપીએ. તેમણે કહ્યું હતું કે મિઝોરમના ઘણા બધા બાળકો આસામમાં છે. અમે કંઈ ભારત-ચીન સરહદ પર નથી. આસામ પોલીસે કેસ નોંધવો પડશે. લોકોને શસ્ત્રો ક્યાંથી મળ્યા, તેની તપાસ કરવી પડશે. જે લોકો મરી ગયા તે લોકો કયા દેશના છે તેની તપાસ થવી જોઈએ. મિઝોરમના લોકો દ્વારા જે વાત કહેવામાં આવી રહી છે તે ખોટી છે. જો તમે મિઝોરમના લોકોને જોશો તો એકસાથે છે. હવે આસામને પણ જોવાનું છે કે તેઓ એકસાથે આવે.

Previous articleગુગલ મેપથી ઝાંડી ઝાંખરા વિસ્તારમાં મકાનો સર્ચ કરી ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા
Next articleરાધિકાએ ફોટો શેર કરી પોતાની જાતને દેડકો ગણાવી