શિક્ષણનું વેપારીકરણ બંધ કરો, ભાજપ ભગાવો દેશ બચાવોના સુત્રોચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા
ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા છે માટે ભાજપ સરકાર જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરી રહી છે. ત્યારે ભાવનગરમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે.ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણનો આજે વેપાર થઇ રહ્યો છે, નાના પરિવારના બાળકોને ભણવું હોય તો બે-ત્રણ લાખ રૂપિયાની ફી ચૂકવવી પડે છે, સામાન્ય વસ્તુ પણ આજે મોંઘી મળી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, સેવાનું માધ્યમ શિક્ષણ અને આરોગ્ય હતું તે આજે માત્ર વેપાર ધંધો થઈ ગયો છે. કોંગ્રેસ દ્વારા આજે શહેરના જશોનાથ ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું કે જેમને આખા દેશને નવો રાહ ચિંધ્યો છે તેવા બાબાસાહેબ આંબેડકરના રાપર રાહ પર ભાજપે ચાલવું જોઈએ, એક સમયે ભાવનગર કોર્પોરેશન હેઠળ ૮૫ સ્કૂલ ચાલી રહી હતી જે આજે માત્ર ૪૨ રહી ગઈ છે.આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના કોર્પોરેટર મહિલા આગેવાનો સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા, કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.