(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨
કોરોના મહામારીના કારણે લોકોની કેવી કફોડી હાલત થઈ છે. તે તમામની સામે છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી કોરોના પીડિત વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી છે. ગુજરાત યુનિવર્સિટી જે વિદ્યાર્થીના પરિવારમાંથી કોઈને કોરોના થયો હોય અથવા તો કોરોનાથી મોત થયું હોય તેવા પરિવારના વિદ્યાર્થીને સરકારે જાહેરાત કરી તે સિવાય પણ મદદ કરશે.
ગુજરાત યુનિવર્સિટી આવા વિદ્યાર્થીને સ્ટાર્ટઅપ અને એમ્પ્લોયમેન્ટમાં મદદ કરશે ત્યારે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ માટે કોઈ આઈડિયા લઈને આવશે અને તે આઈડિયા યોગ્ય હશે તો ગુજરાત યુનિવર્સિટી તેના પર તમામ ખર્ચ કરશે અને વિદ્યાર્થી પોતાના પગ પર ઉભો થાય તે માટે પ્રયત્ન કરશે. અભ્યાસ પછી પણ વિદ્યાર્થીને નોકરી અપાવવા માટે પણ યુનિવર્સિટી મદદ કરશે. પ્લેસમેન્ટ કે અન્ય પ્રક્રિયાથી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદ કરશે. આ ઉપરાંત કોરોના કાળમાં અનેક વિદ્યાર્થીઓ હતાશ થઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી છે. વિદ્યાર્થીઓને કોરોના લીધે પરીક્ષા ન આપી શક્યા હોય. તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. ત્યારે વિદ્યાર્થી એક વાર પરીક્ષા આપ્યા બાદ બીજી વાત પરીક્ષા આપવા ઈચ્છે તો વિદ્યાર્થીને તે જ પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. બંને પરીક્ષામાંથી જે પરીક્ષામાં માર્ક્સ વધુ હશે. તેનું પરિણામ માન્ય ગણવામાં આવશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અનેક તક અને વિદ્યાર્થીઓ તૈયારી કર્યા પછી પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એક સપ્તાહમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.