ભાવનગર શહેરના બે અલગ અલગ સ્થળે શોર્ટ-સર્કિટ થતાં આગ લાગી, ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

213

આગની ઘટના વહેલી સવારે ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે આગના અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. બંને બનાવોમાં ઈલેક્ટ્રીક ઉપકરણો સળગી ગયાં હતાં. જોકે, ઘટના વહેલી સવારે ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ફાયર ફાયટરોએ પણ સમય સુચકતા જાળવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ફાયર ફાઈટરોને પ્રથમ કોલ સવારે ૬ઃ૫૫ મળ્યો હતો જેમાં શહેરના વાઘાવાડી રોડપર આવેલ ડોમિનોઝ પિઝા હાર્ટ સામેના ખાંચામાં આવેલા સિધ્ધિવિનાયક કોમ્પલેક્ષ સ્થિત ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણી છાટી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ માં ઓફિસમાં રહેલો સરસામાન તથા ઈલેક્ટ્રીક વાયરીંગ તથા ઇલેકટ્રીક ઉપકરણો સળગી જવા પામ્યું હતું.બીજા બનાવમાં વાઘાવાડી રોડ સ્થિત માધવદર્શન કોમ્પલેક્ષની દુકાન નં-૧૬૧/૧૬૨ કોટક સિક્યુરિટી તથા ઈશન નેટસલ પ્રાઈવેટ લિમિટેડમાં આગ લાગતાં ઓફીસોમાં રહેલા કોમ્યુટર ઈન્ટરનેટના સાધનો તથા વાઈરીંગ સળગીને સ્વાહા થઈ ગયું હતું. આ બંને બનાવમાં વીજ શોર્ટ-સર્કિટ થયાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી.

Previous articleસુશાસનના પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો ત્રીજો દિવસ ભાવનગર ખાતે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો સેવાયજ્ઞ યોજાયો
Next articleભાવનગરના સુભાષનગરના યુવાનની હત્યા કેસમાં બે આરોપીઓને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી કોર્ટ