પલસાણા,તા.૩
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એટીએમ મશીન ગેસ કટરથી તોડી અંદરથી રૂ. ૨૯.૨૮ લાખની ચોરી કરી ગયા હતા. એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરા, એ.સી.તેમજ ATM મશીન પર તસ્કરોએ જ્વલનશીલ પદાર્થ નાંખી બાળી નાખ્યા હોવાનું બેન્ક તથા તપાસકર્તાઓ દ્વારા જણાવાયું છે. તા ૩૦થી ૩૧ જુલાઇની વચ્ચે બનેલી આ ઘટના અંગે ગત રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં આવેલા તાંતીથૈયા ગામની સીમમાં કડોદરા બારડોલી રોડ પર કિસાન કોલ્ડ સ્ટોરેજની બાજુમાં આવેલ કિસાન કોમ્પ્લેક્ષમાં એક્સિસ બેંકની બાજુમાં આવેલ ATM રૂમમાં મુકેલ એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવી ગત ૩૦ જુલાઈથી રાત્રિથી ૩૧ જુલાઈની સવાર સુધીમાં ચોરીને અંજામ આપી ATM મિશનમાં રોકડ લોડિંગ કરવાની જગ્યાએ ગેસ કટરથી કાપ મૂકી ૪ કેસેટ અને તેમાં મુકેલ ૨૯.૨૮ લાખની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં ATM મશીન, સીસીટીવી કેમેરા અને એ.સી.પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી તેને બાળી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે બાદમાં ATM મશીનનું સંચાલન એજન્સીના કર્મચારી ધવલ દિનેશ ચૌહાણે ઉપરી ઓફિસમાં જાણ કરી હતી. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ સોમવારના રોજ મોડી સાંજે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરતા કડોદરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.