ડેન્ગ્યુના પોરા મળતા ૧૫,૦૦૦ સરકારી આવાસમાં સ્પેશિયલ ડ્રાઇવનો આદેશ

658
gandhi1942018-3.jpg

પાટનગરમાં ગરમીના દિવસોમાં પણ મચ્છરના ગણગણાટના પગલે મહાપાલિકાની આરોગ્ય શાખા દોડતી થઇ ગઇ છે. ચોમાસા પૂર્વેની મચ્છર અને પોરાનાશક કામગીરી કરવા દરમિયાન નગરનાં સરકારી આવાસોમાં વ્યાપક પ્રમાણમાં ડેન્ગ્યુ મચ્છરના પોરા મળી આવવાના કારણે મંગળવારથી જ ૧૫,૦૦૦ જેટલા સરકારી આવાસમાં પોરાનાશક સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવા આદેશ અપાયો છે. નગરના ૫૨ હજાર જેટલા ઘરમાં ૩૦મી એપ્રિલથી નવેસરથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાનાર છે. 
તાજેતરની ડ્રાઇવ દરમિયાન મળી આવેલા ૩૬૪ જેટલા તાવના દર્દીઓના લોહીની તપાસ કરાઇ તેમાં મેલેરિયાનો માત્ર ૧ કેસ છાપરા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વરસાદી માહોલ રચાયા પહેલા કરાતી આ કામગીરી દરમિયાન ૫૨ હજાર ઘર પહોંચેલા કર્મચારીઓએ ૧,૦૪,૫૯૦ જેટલા પાણીના પાત્ર તપાસ્યા હતાં, તેમાંથી ૮૪૨માં ડેન્ગ્યુ મચ્છરના પોરા મળી આવ્યા હતાં. આ પૈકીના ૪૬૪ તો સરકારી આવાસમાં મળ્યા હતાં. જેને આરોગ્ય અધિકારીઓએ ગંભીરતાથી લીધી છે અને સ્પ. ડ્રાઇવ ચલાવી પોરાનાશક કામગીરી શરૂ કરાઈ છે. 
ડેન્ગ્યુ મચ્છર ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. ઘરમાં રાખવામાં આવતા ફ્રીઝની પાછળના ભાગે પાણીના નિકાલ માટે અપાતી ટ્રેમાં વિશેષ પ્રમાણમાં મચ્છર પેદા થતાં હોવાનું આરોગ્ય અધિકારી સુત્રો જણાવે છે. આ ઉપરાંત ઠંડક માટે વપરાતા એર કુલર્સમાં, નકામાં ટાયર અને કુંડામાં મચ્છરના પોરા થાય છે. ધાબા પર છલકાયેલી ટાંકીના કારણે ભરાતા ખાબોચિયામાં મચ્છરના પોરા મળી આવે છે.

Previous articleઅશાંતધારાના કાયદાની ત્રૂટિઓ દૂર કરી કડક બનાવવા સીએમ એ આદેશ કર્યો
Next articleનવી રપ સ્લીપર કોચને સ્વર્ણિમ સંકુલથી મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી