૫૭ કિલો ફ્રી સ્ટાઇલમાં રશિયાના બૉક્સર સામે ફાઇનલમાં રવિની હાર પ્રધાનમંત્રી મોદીએ રવિ દહિયાને ટિ્વટ કરી અભિનંદન પાઠવ્યા
(જી.એન.એસ)ટોક્યો,તા.૫
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો ૫૭ કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો. આ મુકાબલામાં રવિ દહિયાનો ૪-૭થી પરાજય થયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ભારતને બે સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૫૭ કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિ કુમારનો વિજય થયો હતો. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને ટિ્વટ કરી અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, રવિની લડવાની ભાવના અને દ્રઢતા શાનદાર છે. સિલ્વર મેડલ જીતવા પર તેમને અભિનંદન. તેમની આ ઉપલબ્ધિ પર સમગ્ર દેશને ગૌરવ છે. આજે રવિ કુમાર દહિયા ફાઇનલમાં રમ્યા હતા અને સિલ્વર મેડલની ગોલ્ડમાં બદલવાનો પૂરો પ્રયાસ કર્યો. ફાઇનલમાં આજે રવિનો રશિયાના જાઉર ઉગુએવ સામે રમ્યા હતા. જાઉર ઉગએવ બે વાર વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. જાઉરને રશિયાના બેસ્ટ રેસલર માનવામાં આવી છે. જાઉરે અત્યાર સુધીમાં કુલ ૧૫ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લઈને ૧૫ મેડલ જીત્યા છે. આ ૧૪ મેડલમાંથી ૧૨ તો ગોલ્ડ જીત્યા છે. જ્યારે બીજી તરફ ભારતીય રેસલર રવિ દહિયાએ ૨૦૨૦ અને ૨૦૨૧માં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ૨૦૧૮માં અંડર-૨૩ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ અને ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.