કલકત્તા/ન્યુ દિલ્હી,તા.૬
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે બીજી વખત કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર પર નિશાન સાધતાં દીદીએ કહ્યું હતું કે બંગાળને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી વેક્સિન આપવામાં આવી રહી છે. મમતાએ કહ્યું, “ગુજરાત, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકને બંગાળ કરતાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે. હું લોકો વચ્ચે ભેદભાવ કરતી નથી, પરંતુ બંગાળને વસતિની દૃષ્ટિએ ઓછી વેક્સિન આપવામાં આવી છે. બંગાળ સાથે થઈ રહેલા ભેદભાવને હું ચૂપચાપ જોઈ શકતી નથી. હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે રાજ્યોના આધારે ભેદભાવ ન કરો. આ પહેલાં બંગાળનાં મુખ્યમંત્રીએ વેક્સિનેશન બાબતે વડાપ્રધાન મોદીને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે પત્રમાં બંગાળની સ્થિતિ બાબતે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બંગાળમાં વેક્સિનનો પુરવઠો વધારશે નહીં તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. બંગાળના તમામ નાગરિકોને વેક્સિન આપવા માટે ૧૪ કરોડ ડોઝની જરૂર છે. મમતાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં દરરોજ ૧૧ લાખ વેક્સિનના ડોઝ આપવાની અમારી ક્ષમતા છે, પરંતુ અમે દરરોજ માત્ર ૪ લાખ ડોઝનું જ વેક્સિનેટ કરી શકીએ છીએ. આ વેક્સિનના ઓછા પુરવઠાને કારણે છે. તેમણે કહ્યું વધુમાં કહ્યું હતું કે આ મુદ્દે તે પહેલેથી જ વડાપ્રધાનને પત્ર લખી ચૂકી છે, પરંતુ કેન્દ્ર સરકારે એના પર ધ્યાન આપ્યું નથી. કેન્દ્ર અન્ય રાજ્યોને વધુ વેક્સિન આપી રહ્યું છે, અમને એ બાબતે કોઈ સમસ્યા નથી.