ન્યુ દિલ્હી,તા.૭
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે નવી દિલ્હીમાં કતારના વિશેષ દૂત મુતલાક બિન માજિદ અલ-કહતાની સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે અમે અફઘાનિસ્તાનમાં વર્તમાન ઘટનાક્રમ પર ભારતીય દ્રષ્ટિકોણ શેર કર્યો. જયશંકરે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ ઝડપથી બગડવી એક ગંભીર બાબત છે. એક શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન માટે આવશ્યક છે કે સમાજના તમામ વર્ગોના અધિકારો અને હિતને પ્રોત્સાહન આપવામાં આવે અને તેમની રક્ષા કરવામાં આવે. અગાઉ શુક્રવારે કતારના દૂત અને ભારતીય વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ જે પી સિંહની વચ્ચે પણ અફઘાનિસ્તાનમાં સ્થિતિ પર ચર્ચા થઈ હતી. કતારની રાજધાની દોહા અંતર-અફઘાન શાંતિ વાર્તાનુ સ્થળ રહ્યુ છે. ખાડી દેશ અફઘાન શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા નિભાવી રહ્યો છે.