જમશેદપુર,તા.૮
ઝારખંડના જમશેદપુરથી આશરે ૧૦ કિમી દૂર બોદમ પોલીસ સ્ટેશન વિસ્તારના દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી હતી. આ અંગેની માહિતી મળતા દાલમા પર્વત પર નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી ૧૪ લેન્ડ માઇન્ડ્સ નિષ્ક્રિય કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સિદ્ધિ છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા લેન્ડ માઇન્ડ્સને કાળજીપૂર્વક ડિફ્યુઝ કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતાં જમશેદપુર એસએસપી એમ તમિલ વનનને જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, બોદમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી છે. અમને ખબર ન હતી કે કેટલી લેન્ડ માઇન્ડ્સ લગાડવામાં આવી છે, પરંતુ માહિતીના આધારે અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને અમને ૧૪ લેન્ડ માઇન્ડ્સ મળી. જે બાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડે તે ૧૪ લેન્ડ માઇન્ડ્સને નિષ્ક્રિય કરી હતી. એસએસપી એમ તમિલ વનનને જણાવ્યું કે, ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સફળતા છે. અમે હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છીએ અને અહીંના લોકોને સુરક્ષિત રાખવા માટે સંકલ્પબદ્ધ છીએ.