ન્યુ દિલ્હી,તા.૯
ભારત અને ચીને પૂર્વ લદ્દાખમાં વિવાદાસ્પદ ગોગરા વિસ્તારથી પોત-પોતાના સૈનિકો પાછા લઈ લીધા છે. જો કે લદ્દાખ સરહદ પર ભારત અને ચીની સેના યુદ્ધ મોરચા પર તહેનાત છે. લેહથી ૧૫૦ કિમી દૂર પૂર્વ લદ્દાખની ચુશુલ સરહદની નજીક ન્યોમામાં ભારતીય સેનાના જવાનો ચીની સેનાની હરકત પર નજર રાખી રહ્યા છે. પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર)ના ફોરવર્ડ બેઝ પર નેગેવ લાઇટ મશીન ગન, ટેવર-૨૧ અને એકે-૪૭ અસોલ્ટ રાઇફલોથી સજ્જ ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ન્યોમામાં દુશ્મનના વિમાનો અને હેલીકોપ્ટરને નષ્ટ કરવા માટે રશિયન મૂળની મેન-પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમને તહેનાત કરવામાં આવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ ભારતીય વાયુસેનાનો એક જવાન ફોરવર્ડ બેઝ પર તહેનાત છે, જે ઝડપી ગતિથી ચાલનારા વિમાનો અને હેલીકોપ્ટરોને તબાહ કરી શકે છે. લેહથી ૨૦૦ કિમી દૂર પૂર્વ લદ્દાખની સરહદ પર ભારતીય સેનાના સૈનિક અને ટેન્ક ચીનને ટક્કર આપવા માટે તૈયાર છે. ૧૬૦૦૦થી લઈને ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ પર શૂન્યથી નીચેના તાપમાનમાં ભારતીય સેનાના જવાનો તહેનાત છે. ભલે અત્યારે ભારત અને ચીની સેનાઓએ પોત-પોતાના સૈનિકોને પાછા બોલાવ્યા હોય, પરંતુ ભારતીય સેનાના તેવરથી સ્પષ્ટ છે કે તે કોઈપણ મોરચે ચીન વિરુદ્ધ પોતાની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા નથી ઇચ્છતી. ન્યોમામાં સિંધુ નદીના કિનારે હજારો માઇલમાં ફેલાયેલી ખીણમાં ભારતીય સેનાની ટી-૯૦ ટેન્ક ભીષ્મ અને બીએમપી ચીનની વિરુદ્ધ હુંકાર ભરી રહી છે. છેલ્લા એક વર્ષથી વધારે સમયથી પૂર્વ લદ્દાખમાં ભારતે દુનિયાની સૌથી અચૂક ટેન્ક મનાતી ટી-૯૦ ભીષ્મ ટેન્કને તહેનાત કરી રાખી છે. આની તહેનાતી સાથે જ લદ્દાખમાં આને ભારતનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. આ ટેન્કમાં મિસાઇલ હુમલાઓને રોકવાનું કવચ છે. આમાં શક્તિશાળી ૧૦૦૦ હૉર્સ પાવર એન્જીન છે. આ એકવારમાં ૫૫૦ કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે. આનું વજન ૪૮ ટન છે. આ દુનિયાની હળવી ટેન્કોમાંથી છે.