નવી દેલ્હી
કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુર અને કાયદામંત્રી કિરણ રિજિજૂ સહિત કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરીને વતન પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું રાજધાની ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મેડલ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે રેસલર બજરંગ પૂનિયા, રવિ દહિયા, બોક્સર લવલીના, ભારતની મેન્સ તથા વિમેન્સ હોકી ટીમ તથા જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનું સન્માન કર્યું હતું. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે તમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે. તેઓએ જે પણ રમતમાં ભાગ લીધો તેમાં તેમણે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે નીરજ ચોપર, બજરંગ પૂનિયા, લવલીના તથા બાકીના તમામ એથ્લેટ્સ એક નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવા ભારતના નવા હીરો છે. અમારા તરફથી ખેલાડીઓને પ્રત્યેક પ્રકારની સગવડો મળે તે અમે સુનિશ્ચિત કરીશું. આ સમારંભમાં નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે આ મેડલ મારો નહીં પરંતુ પૂરા દેશનો છે. રેસલર બજરંગ પૂનિયાએ જણાવ્યું હતું કે ઘૂંટણમાં ઇજા થઇ હોવાના કારણે મેં ફાઇનલમાં ની-કેપ પહેરી રાખી હતી અને હરીફ રેસલરે મારા ઇજાગ્રસ્ત પગને જ ટાર્ગેટ બનાવ્યો હતો. બ્રોન્ઝ મેડલ મેચ પહેલાં મેં નક્કી કર્યું હતું કે ઘૂંટણ તૂટી જશે તો તેની પરવા કર્યા વિના હું મુકાબલા જીતવાના તમામ પ્રયાસ કરીશ. બોક્સર લવલીનાએ જણાવ્યું હતું કે વતન પરત ફરવાનો આનંદ અલગ છે. દેશ માટે મેડલ જીતવાના મારા તમામ પ્રયાસ કરીશ. પેરિસમાં મારા ઓલિમ્પિક મેડલનો રંગ બદલવાનો હું પ્રયાસ કરીશ.
Home Entertainment Sports તમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે, જે પણ રમતમાં ભાગ લીધો...