ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. આ ચૂંટણીને લઇને ચૂંટણી તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. જેના ભાગરૂપે જ બુધવારે દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના એડિશનલ ડીજી (વહીવટ) મોહન ઝાની કાયદો-વ્યવસ્થા તથા તકનીકી સેવાના આઇજીપી નરસિંહમા કોમરની માળખાકીય સુવિધા (એક્ષ્પે-ન્ડિચર) તથા ઇન્કમટેક્સ માટે સંદીપ ગોહીલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરાઇ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મંગળવારે જ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈનની સાથે ત્રણેય અધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિ સમક્ષ ચૂંટણીને પહોંચી વળવા માટે ચૂંટણી તંત્ર સજ્જ હોવાની વિગતો રજૂ કરી હતી. તેને અનુરૂપ ચૂંટણી દરમિયાન તેમના તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા અંગેનું પ્રેઝન્ટેશન કર્યું હતું.