બાંદીપોરા,તા.૧૧
કાશ્મીર ઘાટીના બાંદીપોરામાં એલઓસી પાસે બુધવારે હથિયારો અને દારૂગોળાના મોટો જથ્થો મળી આવ્યો છે. સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો. આતંકીવાદીઓએ મોટો હુમલો કરવા માટે આ જથ્થો એકત્રિત કર્યો હોવાનુ સુરક્ષાદળો માની રહ્યા છે અને આગળની તપાસ શરૂ કરાઈ છે. સુરક્ષાદળોએ જે હથિયારો પકડયા છે તેમાં ત્રણ એકે ૪૭ રાયફલ, રાયફલના ૧૨ મેગેઝિન, બે પિસ્ટલ, પિસ્ટલની ચાર મેગેઝિન, ૫૫૦ કારતૂસ, ૧૮ ગ્રેનેડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પૂંછમાં પણ સોમવારે સુરક્ષાદળોએ આતંકીઓના એક અડ્ડાનો ખાતમો બોલાવ્યો હતો. જ્યાંથી પણ મોટા પાયે હથિયારો મળ્યા હતા. સ્વતંત્રતા દિવસ પહેલા આ હથિયારોનો જથ્થો મળી આવવાના કારણે મોટા આતંકી હુમલાનો ખતરો ટળ્યો હોવાનુ મનાઈ રહ્યુ છે. પૂંછમાં પણ સુરક્ષાદળોને બે એકે ૪૭ રાયફલ, ચીની બનાવટની પિસ્ટલ, એ કે ૪૭ના ૨૭૦ કરાતૂસ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા હતા.