રાજકોટ,તા.૧૧
રાજકોટમાં જીએસટી વિભાગના બે અધિકારીઓને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતાં ઝડપી પાડયા હતા. બંને અધિકારીઓએ એક વેપારીના ટ્રક છોડવા ૮ લાખ રૂપિયાની માગણી કરી હતી પરંતુ ટ્રક છોડવાની ડીલ ૪ લાખ રૂપિયામાં નક્કી થઈ હતી અને પહેલાં દિવસે ૫૦ હજાર રૂપિયા લઈને અધિકારીઓએ ટ્રકને જવા દીધો હતો અને ત્યારબાદ બીજા દિવસે વેપારી પાસેથી બાકીના સાડા ત્રણ લાખ રૂપિયા અધિકારીઓએ માગ્યા હતા. તેથી વેપારીએ સમગ્ર મામલે એન્ટીકરપ્શન બ્યુરોને માહિતી આપી હતી અને અધિકારીઓ દ્વારા છટકું ગોઠવીને લાંચ લેતા બે જીએસટી વિભાગના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર એક વેપારીના બે ટ્રક જ્યારે રાજકોટથી બામણબોર જીઆઇડીસીમાં જઈ રહ્યા હતા ત્યારે જીએસટી વિભાગના અધિકારી વિક્રમ કનારા અને અજય મહેતા નામના બે અધિકારીઓએ ડ્રાઈવર પાસે ઇ-વે બિલની માંગણી કરી હતી. ત્યારબાદ ટ્રક છોડવા માટે બંને અધિકારીઓ માલિક પાસે ૮ લાખની માગણી કરી હતી અને અંતે ૪ લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવાનું નક્કી થયું હતું. જેમાંથી ૫૦,૦૦૦ રૂપિયા લઈને બંને અધિકારીઓએ ટ્રક છોડી દીધો હતો અને બીજા પૈસા બીજા દિવસે મળશે તેવું જણાવ્યું હતું. જેથી બીજા દિવસે જ્યારે આ બંને અધિકારીઓએ વેપારીને સાડા ત્રણ લાખ રૂપિયા આપવા કહ્યું ત્યારે વેપારી લાંચિયા અધિકારીઓને પૈસા આપવા માટે તૈયાર નહોતો. તેથી તેને તાત્કાલિક આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબીના અધિકારીઓએ બંને અધિકારી અને એક વચેટીયાને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જ્યારે વેપારી અધિકારીઓને લાંચ આપવા ગયો અને અધિકારીઓએ લાંચની રકમ સ્વીકારી એવા તરત જ એસીબીના અધિકારીઓએ ૩.૫૦ લાખ રૂપિયાની રકમ સાથે જીએસટી વિભાગના અધિકારી વિક્રમ કનારા, અજય મહેતા અને વચેટિયા મનસુખ હિરપરાને પકડી લીધા હતા અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે એસીબી દ્વારા આ લાંચિયા અધિકારીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, જ્યારે-જ્યારે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાય છે અને તેની ઘરે સર્ચ કરવામાં આવે છે ત્યારે સામાન્ય પગારદાર કર્મચારી પાસેથી લાખોની બેનામી સંપતિ મળી આવે છે.